ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લોકભવન પરિવારના સભ્યો તથા ઉપસ્થિત નગરજનોને યોગ દિવસની શુભકામનાઓ પાઠવીને જીવનમાં સ્વાસ્થ્યના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ યોગના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, યોગ એ ભારતની હજારો વર્ષ જૂની પ્રાચીન વિદ્યા અને વિજ્ઞાન છે. યોગ એ માત્ર કસરત નથી, પરંતુ તે જીવન જીવવાની એક ઉત્તમ કળા છે. ભારતીય સંસ્કૃતિમાં યોગને હંમેશા સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક ઉન્નતિના આધારરૂપ માનવામાં આવ્યો છે.
રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના યોગ પ્રત્યેના દ્રષ્ટિકોણને બિરદાવતા કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો અને દ્રઢ સંકલ્પશક્તિને કારણે આજે યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. તેમણે વિશ્વના કરોડો લોકોને યોગ સાથે જોડીને ભારતની આ વિરાસતને ગૌરવ અપાવ્યું છે. આજે આખું વિશ્વ યોગના માધ્યમથી વસુધૈવ કુટુંબકમના ભાવ સાથે જોડાઈ રહ્યું છે.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજની દોડધામભરી જીવનશૈલીમાં માનસિક તણાવ અને અનેક જીવનશૈલી સંબંધિત બીમારીઓથી બચવા માટે યોગ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. નિયમિત યોગાભ્યાસ અને પ્રાણાયામ માત્ર શરીરને જ નિરોગી નથી રાખતા, પરંતુ તે મનને એકાગ્ર, શાંત અને સકારાત્મક બનાવે છે. આપણે સૌએ યોગને દૈનિક જીવનશૈલીનો અભિન્ન અંગ બનાવીને ‘સ્વસ્થ શરીર-સ્વસ્થ મન’ના સંકલ્પને સિદ્ધ કરવો જોઈએ.
આ પ્રસંગે શ્રી અશ્વિનભાઈ દવેએ યોગાભ્યાસ કરાવ્યો હતો. યોગાભ્યાસ બાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌને સ્વસ્થ જીવન શૈલી અપનાવવાના શપથ લેવડાવ્યા હતા.
આ યોગાભ્યાસમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. જયંતિ રવિ, લોકભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, ગૃહ નિયામકશ્રી એક.કે.જોષી સહિત લોકભવનના અધિકારી-કર્મચારીઓ તેમજ નગરજનો જોડાયા હતા.


















Recent Comments