સાવરકુંડલા તાલુકામાં ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે ડેડકડી, મઢડા અને વિજપડી ગામોની શાળાઓમાં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬’નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરેલા શિક્ષણરૂપ સેવાયજ્ઞના ભાગરૂપે તાલુકાની વિવિધ શાળાઓમાં નવપ્રવેશી વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડેડકડી ગામે ડેડકડી પ્રાથમિક શાળા તેમજ ડેડકડી લોકશાળામાં નવપ્રવેશી ભૂલકાઓને જ્ઞાનના પવિત્ર ધામમાં આવકારવામાં આવ્યા હતા. મઢડા ગામે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
વિજપડી ગામ ખાતે આવેલી વિ.ડી. નગદિયા માધ્યમિક શાળા તેમજ વિજપડી પે સેન્ટર શાળામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી અર્પણ કરી તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે દેશના ભવિષ્ય સમાન બાળકોના ચહેરા પરનું સ્મિત અને શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ સમાજ માટે પ્રેરણારૂપ છે. ખાસ કરીને દીકરીઓનું શિક્ષણ સશક્ત અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે અત્યંત આવશ્યક છે. “દીકરી ભણે, દેશ આગળ વધે”ના સંદેશ સાથે સૌએ શિક્ષણના આ મહાયજ્ઞને વધુ મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમા શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.
















Recent Comments