રાજ્ય સરકારના ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના સિદસર-શામપરા મોડલ
સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.મત્સ્યોદ્યોગ અને
પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નવા
શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવનાર ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે બાલવાટિકામાં ૧૨, આંગણવાડીમાં ૩૮ તેમજ ધોરણ-૧, ૬, ૯ અને ૧૧માં મળીને
૪૦૦થી વધુ ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી તેમના શૈક્ષણિક જીવનના નવા અધ્યાયનો પ્રારંભ
કરાવવામાં આવ્યો હતો. મંત્રીશ્રીએ પ્રવેશ મેળવનાર બાળકોને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે
મંગલકામનાઓ વ્યક્ત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું તેમજ શ્રેષ્ઠ પરિણામ
મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે ગુજરાત યુવા કોળી સેનાના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ
સોલંકીએ જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ માત્ર
એક કાર્યક્રમ નથી, પરંતુ દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાનો લોકભાગીદારી આધારિત અભિયાન છે. દેશનું
ભવિષ્ય આપણા બાળકોમાં સમાયેલું છે અને આજના વિદ્યાર્થીઓ જ આવતીકાલના વિકસિત ભારતના ઘડવૈયા
બનવાના છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને
વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે પોતાના જીવનના
ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરી તેને પ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. સાથે જ વાલીઓને અપીલ કરતાં તેમણે
જણાવ્યું હતું કે, બાળકોને માત્ર શાળામાં પ્રવેશ અપાવવો પૂરતો નથી, પરંતુ તેમના અભ્યાસ, સંસ્કાર અને સર્વાંગી
વિકાસ પ્રત્યે સતત ધ્યાન આપવું પણ એટલું જ આવશ્યક છે. સરકાર, શિક્ષકો અને વાલીઓના સંયુક્ત પ્રયાસોથી જ
બાળકોનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની શકે છે.
કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીની શીતલ ગોહિલે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર પોતાના વિચારો
રજૂ કર્યા હતા. શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રકાશભાઈ રાઠોડે મહાનુભાવોનું સ્વાગત કરી શાળાની પ્રગતિ અંગે માહિતી
આપી હતી.
કાર્યક્રમ બાદ મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીએ શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી)ના સભ્યો સાથે
બેઠક યોજી શિક્ષણની ગુણવત્તા અને શાળાના વિકાસ અંગે ચર્ચા કરી હતી.
કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી હરિત અને સ્વચ્છ પર્યાવરણના સંવર્ધનનો
સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન શ્રી રણછોડભાઈ, શામપરા ગામના સરપંચ શ્રી કૌશિકભાઈ ગાંગાણી,
આગેવાનો શ્રી રાજુભાઈ ફાળકી, શ્રી કુલદીપભાઈ, શ્રી આનંદભાઈ ડાભી, શ્રી અજયભાઈ ચૌહાણ, જિલ્લા વહીવટી
તંત્રના અધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments