સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭ ૨૪મી કડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બીજા દિવસે ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ કુંકાવાવ તાલુકાના ઈશ્વરીયા, બાંભણીયા અને દડવા રાંદલ મુકામે સરકારી પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ-૧ના બાળકોને ઉત્સાહભેર પ્રવેશ કરાવીને નામાંકન કરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઈશ્વરીયા મુકામે બાલવાટિકામાં કુલ ૧૩ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું. બાંભણીયા મુકામે બાલવાટિકામાં ૮ અને આંગણવાડીમાં ૧૫ જ્યારે દડવા રાંદલ મુકામે બાલવાટિકાના બાળકોનું નામાંકન સંપન્ન થયું હતું. ભૂલકાઓને કુમ કુમનું તિલક કરીને મોઢું મીઠું કરાવી શાળાના પટાંગણમાં આવકારવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે બાળકો હસતાં-રમતાં ઉમળકાભેર શાળા પ્રવેશ કરી રહ્યા છે. ગુજરાત રાજય સરકારે અદ્યતન સુવિધાઓથી સંપન્ન શાળાઓ બનાવી છે. આ સાથે શિક્ષકો પણ પોતાના બાળકની જેમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉછેર માટે પ્રતિબદ્ધતા સાથે મહેનત કરે છે. આજે ગુજરાતની સરકારી શાળાઓ આધુનિક સુવિધાઓની સાથે કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ સહિતની અદ્યતન શૈક્ષણિક સુવિધાઓથી સજજ છે.
રાજ્યમંત્રીશ્રીએ પ્રેરક સંબોધન કરતા જણાવ્યું કે, જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ઝીરો કરવાની નેમ સાથે કામગીરી કરવાનું લક્ષ્યાંક છે. અમરેલી તાલુકાની વિવિધ સરકારી શાળાઓના નવા અદ્યતન સુવિધાસભર બિલ્ડિંગો આકાર પામી રહ્યા છે. માત્ર શિક્ષણ નહીં પરંતુ મજબૂત આંતરમાળખાકીય સુવિધાઓ પણ વિકસિત કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ શિક્ષણ વ્યવસ્થા મજબૂત બનાવવાનું કામ કર્યું છે. દીકરાઓ સાથે દીકરીઓ પણ ભણી ગણીને આગળ વધી દેશનું ઉજ્જવળ ભાવિ બને તે દિશામાં આપણે સૌએ સહિયારા પ્રયત્નો કરવા જરૂરી છે. આ તકે, મંત્રીશ્રીએ શાળામાં પ્રવેશ મેળવનાર ભૂલકાઓ, બાળકોની સાથે દાતાશ્રીઓના સહયોગને બિરદાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી નામાંકન દર વધ્યો છે. દીકરીઓ ધોરણ ૮ બાદ પોતાનું શિક્ષણ ન છોડે તે દિશામાં સરકાર પ્રયાસો કરે છે, આપણે પણ આ પ્રયાસોને ટેકો આપીએ તો ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરવું સરળ બનશે.
આ તકે દરેક શાળામાં વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી, પર્યાવરણ બચાવો, જળ સંરક્ષણ, વિજ્ઞાનના યુગમાં આપણી જવાબદારી જેવા વિષયો અન્વયે પોતાના વિચારો અભિવ્યક્ત કર્યાં હતા. સાથે બાળકોને પ્રવેશ વેળાએ મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જ્ઞાનસાધના સ્કોલરશિપ, સી.ઈ.ટી પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક વર્ષમાં સિદ્ધિઓ મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમને ઈનામો સાથે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. દાતાશ્રીઓની સેવાને બિરદાવીને તેમનું શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા સાથે શપથ લીધા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્યશ્રી સંજયભાઈ વાળા, તાલુકા પંચાયતના હોદ્દેદારો શ્રી વિપુલ પાંચાણી, આગેવાનશ્રી પી.વી.વસાણી, કુંકાવાવ એ.પી.એમ.સી વાઈસ ચેરમેનશ્રી રમેશભાઈ સાંકરીયા, બી.આર.સી કોર્ડિનેટરશ્રી, ઈશ્વરીયા સરપંચશ્રીના પ્રતિનિધિશ્રી દેવશીભાઈ સોંદરવા અને આચાર્ય શ્રી ભાવેશભાઈ ગોંડલિયા, બાંભણીયા સરપંચશ્રી ચંદ્રીકાબેન ભુવા અને આચાર્યશ્રી મનોજભાઈ ગજેરા, દડવા રાંદલ સરપંચશ્રી અને પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, ગામના અગ્રણીઓ અને વડીલો, દાતાશ્રીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















Recent Comments