રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી આ વર્ષે અમરેલી ખાતે થવા જઈ રહી છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અમરેલી શહેરમાં તા. ૧૩ ઓગસ્ટે વિવિધ દેશભક્તિપૂર્ણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો થકી સમગ્ર અમરેલી શહેર રાષ્ટ્રભાવના અને દેશભક્તિના રંગે રંગાશે.
તા. ૧૩ ઓગસ્ટના રોજ અમરેલી શહેરમાં સવારે ૧૦.૦૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રામાં વિશાળ ૩૦૦ મીટર લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર બનશે. વિશાળ તિરંગા સાથે યોજાનારી આ યાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં રાષ્ટ્રભાવના અને દેશભક્તિનું અનોખું દ્રશ્ય સર્જાશે. નાગરિકો, યુવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે. ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલી બહેન માંગરોળિયા, જિલ્લા કલકેટ્રરશ્રી, વિકલ્પ ભારદ્વાજ સહિતના મહાનુભાવો આ તિરંગા યાત્રામાં જોડાશે.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તા. ૧૩ ઓગસ્ટની રાત્રે ૮.૩૦ કલાકથી ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાન ખાતે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા લોકકલાકારો રાજભા ગઢવી, ઉર્વશી રાદડિયા, વિવેક સાંચળા સહિતના કલાકારો દ્વારા સંગીત અને લોકસંસ્કૃતિની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવશે. આ ડાયરો અમરેલીવાસીઓ માટે સાંસ્કૃતિક અને સંગીતમય મનોરંજનનો યાદગાર અવસર બની રહેશે.
આ ઉપરાંત, તા. ૧૩ ઓગસ્ટથી સમર્થ વ્યાયામ શાળાના મેદાન ખાતે ગુજરાત પોલીસનું શસ્ત્ર પ્રદર્શન શરૂ થશે. શસ્ત્ર પ્રદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને સુરક્ષા સાધનોનું પ્રદર્શન કરવામાં આવશે. નાગરિકો ખાસ કરીને યુવાનો માટે આ શસ્ત્ર પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બનશે તેમજ પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા અંગે જાણકારી મેળવવાનો અવસર પ્રાપ્ત થશે.
રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ભવ્ય, લોકભાગીદારીપૂર્ણ અને યાદગાર બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમરેલી જિલ્લાના નાગરિકોને આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર સહભાગી બની રાષ્ટ્રભાવનાના આ પર્વને ભવ્યતાથી ઉજવવા અપીલ કરવામાં આવી છે.


















Recent Comments