અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે અમરેલી માં અનેકવિધ કાર્યક્રમો યોજાશે

રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી આ વર્ષે અમરેલી ખાતે થવા જઈ રહી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનારી રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લામાં વિવિધ સાંસ્કૃતિક, દેશભક્તિપૂર્ણ અને લોકભાગીદારીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તા. ૧૩ ઓગસ્ટના રોજ સવારે તિરંગા યાત્રા અને શસ્ત્ર પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવશે. દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે. તા. ૧૩ ઓગસ્ટની રાત્રે અમરેલીવાસીઓ માટે લોકસંગીત અને લોકસંસ્કૃતિથી ભરપૂર ‘રંગ કસુંબલ ડાયરો’ યોજાશે, જેમાં જાણીતા કલાકારો રાજભા ગઢવી, ઉર્વશી રાદડિયા અને વિવેક સાંચળા પોતાની કલાની પ્રસ્તુતિ કરશે.

૧૪ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીશ્રી અમરેલી અને વરસડા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.અમરેલી શહેર ખાતે મુખ્યમંત્રીશ્રી નાગનાથ મહાદેવ મંદિરે પૂજન અર્ચન કરશે. મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે સમારોહ યોજાશે. સમર્થ વ્યાયામ મંદિર ખાતે અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે.

૧૪ ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં શાંતા બેન હરિભાઈ ગજેરા મેડિકલ કોલેજ ઓડિટોરીયમ ખાતે કાર્યક્રમ યજાશે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા અને પ્રભારીમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહેશે.

તા. ૧૪ ઓગસ્ટના રોજ રાજ્યપાલશ્રીના અધ્યક્ષ સ્થાને તથા મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં નવી નૂતન સ્કૂલના મેદાન ખાતે સાંજે ૪.૩૦ કલાકે  ‘એટ હોમ’ કાર્યક્રમ યોજાશે.

આ પ્રસંગે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સાંજે ૬.૩૦ કલાકથી ફોરવર્ડ હાઈસ્કુલના મેદાનમાં  ભવ્ય મેગા કલ્ચરલ કાર્યક્રમ પણ યોજાશે, જેમાં ગુજરાતની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ અને પરંપરાનું મનોહર નિદર્શન કરવામાં આવશે.

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સમારોહ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલા અમરેલી જિલ્લામાં આશરે રૂ. ૪૦૩ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિકાસકાર્યો થકી જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે.

તા. ૧૫ ઓગસ્ટના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડસ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવશે. આ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા ભવ્ય અને દિલધડક પરેડનું આયોજન કરવામાં આવશે, જે અમરેલીવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર અમરેલી જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ રહ્યો છે ત્યારે જિલ્લાના નાગરિકોને આ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.

Related Posts