નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનીષા વકીલની પ્રેરક ઉપસ્થિતીમાં વડોદરા જિલ્લાના મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા, ખોડીયાર નગર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સૌ શિક્ષકોને ઉલ્લેખીને અપીલ કરતા જણાવ્યું હતું કે, વાલીઓ અને પરીવારજનો ખુબ જ વિશ્વાસ સાથે પોતાના બાળકોને શિક્ષકોને સોંપે છે. તેઓના વિશ્વાસને કાયમ રાખી શિક્ષકોએ બાળકનું જીવન ઘડતર કરવું જોઇએ. શિક્ષક તરીકે આ ખુબ મોટા જવાબદારી છે. જેને નિષ્ઠાપુર્વક નિભાવવી જોઇએ. તેમણે વધુમા બાળકો ભણતરને ગોખણપટ્ટી તરીકે નહિં પરંતુ હસ્તા-રમતા ભારવગરનું શિક્ષણ મેળવે તેવી અપીલ કરી હતી. તેમણે નાનપણ થી જ બાળકોને ફક્ત ભણતરમાં વ્યસ્ત રાખવાની જગ્યાએ રમત ગમત,વિજ્ઞાન, સંગીત, કલા પ્રત્યે કેળવણી આપવી જેથી જીવનમા આવતી હારજીતનો સામનો કરી સક્ષમ નાગરીક બની શકે. આ સાથે તેમણે વાલીઓને ઉદ્દેશીને બાળકોને સ્વસ્થ જીવનશૈલી, સ્વચ્છતાને દૈનિક જીવનની ટેવ રૂપે વિકસાવવા સમજ કેળવી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ વડોદરા નગર શિક્ષણ સમિતીની હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાઓમાં ૪૯,૯૨૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તથા આ વર્ષે ૭૫૪૪ બાળકોએ નવો પ્રવેશ મેળવ્યો તથા ૧૩૫૪ બાળકો ખાનગી શાળા છોડી નગર પ્રાથમિક શાળાઓની સરકારી શાળામા પ્રવેશ મેળવ્યો છે એ બાબતને શિક્ષણ સમિતિ અને વડોદરા જિલ્લા તંત્રની સફળતા ગણાવી હતી. આ સાથે ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઇ પુન:પ્રવેશ કરાવ્યો તેના માટે તેમણે શિક્ષણ સમિતિ અને વડોદરા જિલ્લા તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન નાયબમંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશ મેળવનારા ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવી તેમના શૈક્ષણિક જીવનની નવી શરૂઆત કરાવી પ્રોત્સાહિત કર્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં ૪૧૬૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો સાથે જ ધોરણ ૦૧-૦૮ ખાનગી શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ સહિત કુલ ૭,૫૪૪ વિદ્યાર્થીઓએ નવીન પ્રવેશ મેળવ્યો છે. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત દિવ્યાંગ બાળકોને વિશેષ પ્રવેશ કરાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ, દિવ્યાંગ રમતવીરો, પુન:પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નાયબમંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોએ શાળા પરિસરની મુલાકાત લીધી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડૉ. વિપુલ ભરતીયા દ્વારા સ્વાગત પ્રવચન થકી વડોદરા શિક્ષણ સમિતિના “વિઝન ૨૦૩૦” સાથે વડોદરા શહેરની તમામ ઇન્ડસ્ટ્રી અને CSR સંસ્થાઓને જોડવામાં આવશે. તથા શાળાની અંદર હાઇટેક સુવિધાની સાથે સાથે શિક્ષકોના સેમીનાર અને વિદ્યાર્થીઓને અનુભવજન્ય શિક્ષણ મળશે જેનાથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણમાં સરળતા રહેશે એમ જાણકારી આપી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ચૈતન્ય દેસાઇ, વડોદરા મહાનગરપાલીકા, મેયરશ્રી ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્યભાઇ પટેલ, શિક્ષણ સમિતીના અધ્યક્ષ અંજનાબેન ઠક્કર, કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ સંગઠન પ્રમુખ જયપ્રકાશ સોની, સ્થાનિક સમિતીના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી મહેશ પાંડે અને બીઆરસી શ્રી મુકેશ શર્મા, સહિત સ્થાનિક પદાધિકારીશ્રીઓ, વાલીઓ અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments