અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોણા ખાતે આવેલી હિંડોણા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કિશોરભાઈ બી. ધેરૈયા ઉપસ્થિત રહ્યા હતા. લાયઝન અધિકારી શ્રી જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય તેમજ ફોરેસ્ટ ગાર્ડ શ્રીમતી ક્રિષ્નાબેન ખુમાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડીમાં ૦૬ બાળકો, બાલ વાટિકામાં ૪૯ બાળકો તેમજ ધોરણ-૧માં ૦૨ બાળકોનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે નવપ્રવેશી બાળકોને શૈક્ષણિક કીટ સહિત આવશ્યક સામગ્રી અર્પણ કરી તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
હિંડોણા પ્રાથમિક શાળા આધુનિક શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ ડિજિટલ શાળા તરીકે કાર્યરત છે. શાળામાં ૦૭ સ્માર્ટ બોર્ડ, કમ્પ્યુટર લેબ તથા વિજ્ઞાન લેબ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. બાલ વાટિકાના બાળકોના સર્વાંગી વિકાસ માટે રમકડાંની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે.
શાળાની પોતાની યુટ્યુબ ચેનલ પણ કાર્યરત છે, જેમાં શાળામાં યોજાતી વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના વીડિયો નિયમિત રીતે અપલોડ કરવામાં આવે છે.
શાળાના દાતાશ્રી જેઠસુરભાઈ ઉનડભાઈ પટાટ દ્વારા બાળકોને નિયમિત નાસ્તો આપવામાં આવે છે. તેમજ રાણેશ્રીબેન રામભાઈ વાવડીયા દ્વારા બાળકોના પુસ્તકો માટે દાન આપવામાં આવ્યું છે. દાતાઓના સહયોગથી શાળામાં શિક્ષણ સાથે પોષણ અને શૈક્ષણિક સામગ્રીની સુવિધા પણ સુનિશ્ચિત બની છે.
શાળાની ગુણવત્તાસભર શિક્ષણપ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિણામે દર વર્ષે અંદાજે ૦૮થી ૧૦ બાળકો ધોરણ-૬માં પ્રવેશ માટે યોજાતી CET પરીક્ષામાં મેરીટ મેળવી પસંદગી પામે છે.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ વાલીઓને બાળકોના નિયમિત શિક્ષણ, સર્વાંગી વિકાસ અને શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી બનવા માટે પ્રેરિત કર્યા હતા.

















Recent Comments