ભાવનગર

ઘોઘાના મોટા ખોખરા ગામના અંતરિયાળ વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીને આરોગ્ય વિભાગના સહિયારા પ્રયાસથી મળ્યું નવજીવન

મોટા ખોખરા ગામના વતની અને બાજોઠીયાના ડુંગર તરીકે જાણીતા વિસ્તારમા રહેતા બાળકીના
પરિવારની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હતી. પરિવાર ડુંગરાળ તથા અતિ અંતરિયાળ વિસ્તારમાં
વસવાટ કરતો હોવાથી અને ઘરેલું પશુનું હિંસક પ્રાણી દ્વારા મારણ થતાં તેઓ ગંભીર આર્થિક સંકટમાંથી
પસાર થઈ રહ્યા હતા. આ ઉપરાંત બાળકીનું વજન ખૂબ ઓછું હોવાથી જરૂરી હૃદયનું ઓપરેશન કરાવવા
અંગે પરિવાર શરૂઆતથી જ તૈયાર ન હતો અને કોઈપણ સંજોગોમાં ઓપરેશન ન કરાવવાનો સ્પષ્ટ નિર્ણય
વ્યક્ત કર્યો હતો.
આવા પડકારજનક સંજોગોમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)ની ટીમ, પ્રાથમિક આરોગ્ય
કેન્દ્ર વાળુકડ (ઘોઘા)ની ટીમ, આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ખોખરાના કમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO),
મહિલા આરોગ્ય કાર્યકર શ્રીમતી મમતાબેન લાધવા (FHW) તથા આશા કાર્યકર દ્વારા પરિવારની વારંવાર
ગૃહ મુલાકાતો લેવામાં આવી હતી. સતત કાઉન્સેલિંગ, સમજાવટ, સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ નિઃશુલ્ક
સારવાર અંગે વિગતવાર માહિતી તેમજ જરૂરી આર્થિક સહયોગ દ્વારા પરિવારનો વિશ્વાસ સંપાદિત કરવામાં
આવ્યો હતો.
આ સમગ્ર પ્રક્રિયામાં RBSKના મેડિકલ ઓફિસર ડૉ. દયાબેન પટેલ, ડૉ. મુબારકહુસેન ચોકિયા,
શ્રીમતી જિજ્ઞાબેન ભોજ તેમજ નિર્જાનંદ પરિવાર દ્વારા મહત્વપૂર્ણ આર્થિક સહયોગ અને સતત માર્ગદર્શન
પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ (ઘોઘા)ના આયુષ મેડિકલ ઓફિસર ડૉ. ધવલ

દવે તથા ડૉ. રાકેશ ખીમાણી દ્વારા સમગ્ર પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સંકલનકર્તાની ભૂમિકા ભજવી વિવિધ
વિભાગો વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરી સારવારની સમગ્ર પ્રક્રિયાને સરળ અને સફળ બનાવી હતી.
સંબંધિત તમામ ટીમના સંયુક્ત પ્રયત્નો, અવિરત અનુસરણ, વારંવારના કાઉન્સેલિંગ, આર્થિક
સહયોગ અને સેવાભાવના પરિણામે આખરે પરિવાર બાળકીને સારવાર માટે તૈયાર થયો હતો. ત્યારબાદ
અમદાવાદ સ્થિત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે બાળકીને
સફળતાપૂર્વક હૃદયનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું.
આજે બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે,વજન પણ વધી રહ્યુ છે અને નિયમિત ફોલોઅપ સારવાર હેઠળ છે
અને તેના ચહેરા પર ફરી ખીલેલું સ્મિત સમગ્ર પરિવાર માટે નવી આશા અને ખુશીનું પ્રતીક બન્યું છે. ખાસ
કરીને માતાના ચહેરા પર જોવા મળતી ખુશી આ સમગ્ર પ્રયાસોની સાચી સફળતાની સાક્ષી છે.
આ સફળતા એ સાબિત કરે છે કે નિષ્ઠાપૂર્વકની સેવા, સતત પ્રયત્નો, અસરકારક કાઉન્સેલિંગ, યોગ્ય
સંકલન અને માનવતાભર્યા આર્થિક સહયોગ દ્વારા ડુંગરાળ અને અતિ અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા
આર્થિક રીતે નબળા પરિવારો સુધી પણ સરકારશ્રીની આરોગ્ય સેવાઓ અસરકારક રીતે પહોંચાડી શકાય છે.
આ સમગ્ર કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે. એમ. સોલંકીના માર્ગદર્શન તથા તાલુકા
આરોગ્ય અધિકારી ડૉ. સુફિયાન લાખાણીના નેતૃત્વ, સતત પ્રોત્સાહન અને અસરકારક દેખરેખ હેઠળ
સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ RBSKની ટીમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
વાળુકડ (ઘોઘા)ની ટીમ તથા સ્થાનિક આરોગ્ય કર્મચારીઓએ ઉત્તમ ટીમવર્ક, સુમેળ અને સેવાભાવ સાથે
કામગીરી બજાવી, જેના પરિણામે આ બાળકીને સમયસર નિદાન, યોગ્ય રિફરલ, નિઃશુલ્ક સારવાર અને
સફળ હૃદયના ઓપરેશનનો લાભ મળી શક્યો હતો.
આ સમગ્ર ઘટના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ
(ઘોઘા)ની ટીમની સેવાભાવના, સમર્પણ, ટીમવર્ક અને દર્દીકેન્દ્રિત કાર્યશૈલીનું જીવંત અને પ્રેરણાદાયી
ઉદાહરણ છે. આ સફળતા દર્શાવે છે કે જ્યારે સરકારશ્રીની આરોગ્ય સેવાઓ, અસરકારક નેતૃત્વ અને
માનવતાભર્યા પ્રયાસો એકસાથે કાર્ય કરે છે ત્યારે સમાજના અંતિમ છેવાડે વસતા પરિવારો સુધી પણ
ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડી શકાય છે અને એક દીકરીના જીવનમાં નવી આશા અને
ખુશીઓનું સર્જન કરી શકાય છે.

Related Posts