અમરેલી

જિલ્લાની સંવેદનશીલ વહીવટી પ્રક્રિયાએ ૮૦ વર્ષીય વિધવાના જીવનમાં ફરી ભરી આશા

સરકારી યોજનાઓનો સાચો અર્થ ત્યારે જ સાકાર થાય છે, જ્યારે તેનો લાભ સમાજના અંતિમ છેડે ઉભેલા જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં વહીવટી તંત્રે આવી જ એક સંવેદનશીલ અને માનવતાભરી કામગીરી કરીને ૮૦ વર્ષથી વધુ ઉંમરના એકલા રહેતા વિધવા મહિલાને ફરીથી જાહેર વિતરણ પ્રણાલીની મુખ્યધારામાં જોડ્યા છે.

ખાંભા તાલુકાના ખડાધાર ગામે રહેતા હવાબહેન અલ્લારખભાઈ સમા છેલ્લા લગભગ એક વર્ષથી રેશનકાર્ડ ખોવાઈ જવાને કારણે સરકારી અનાજથી વંચિત રહ્યા હતા. વૃદ્ધાવસ્થા, એકલવાયું જીવન અને મોબાઇલ ફોન ન હોવાના કારણે તેમનું e-KYC પણ થઈ શકતું ન હોવાથી નવી પ્રક્રિયા પૂર્ણ કરવામાં અનેક મુશ્કેલીઓ ઉભી થઈ હતી.

આ બાબતની જાણ થતાં ખાંભા તાલુકા વહીવટી તંત્રે સમગ્ર મામલાને સંવેદનશીલતાથી હાથ ધર્યો. સૌપ્રથમ હવાબેનનું આધાર કાર્ડ અપડેટ કરાવવામાં આવ્યું અને તેમની પૌત્રીનો મોબાઇલ નંબર નોંધાવી જરૂરી e-KYCની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરાવવામાં આવી.

હવાબહેન વિધવા હોવાથી તેમની આર્થિક અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમનું રેશનકાર્ડ અંત્યોદય અન્ન યોજના હેઠળ પરિવર્તિત કરવાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી. પરિણામે હવે તેમને દર મહિને નિયમિત રીતે ૩૫ કિલો અનાજ મળતું રહેશે, જે તેમના જીવનનિર્વાહ માટે મહત્વપૂર્ણ આધાર બનશે.

ખાંભા તાલુકા વહીવટી તંત્રે મામલતદારશ્રી ભાલોડીના નેતૃત્વમાં કરેલી આ કામગીરી માત્ર એક સરકારી પ્રક્રિયા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સંવેદનશીલ, જવાબદાર અને જનકેન્દ્રિત વહીવટનું ઉત્તમ ઉદાહરણ પણ છે. જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી યોજનાનો લાભ પહોંચે તે જ જાહેર સેવાનું સાચું ધ્યેય છે, અને આ પહેલ એ ભાવનાને સાર્થક કરતી પ્રેરણાદાયી ઘટના બની છે.

Related Posts