સ્થાનિક ભૌગોલિક સંરચના અને આયોજન વગરના વિકાસ કાર્યો ક્યારેક પ્રજા માટે મુશ્કેલીનું કારણ બની જતા હોય છે, જેનો જીવંત દાખલો હાલ સાવરકુંડલા શહેરમાં જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા શહેરની એક વિશિષ્ટ ભૌગોલિક ખાસિયત એ છે કે સાવર અને કુંડલા બંને તરફનો ઢાળ શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી નદી તરફ આવે છે. શહેરનો આ આકાર એક ‘ઊંધી રકાબી’ જેવો છે, જેના કારણે ચોમાસા દરમિયાન આખા શહેરનું વરસાદી પાણી કુદરતી ઢાળને અનુસરીને ખળખળ વહેતું નાવલી નદીના પ્રવાહમાં ખાબકે છે. પરંતુ હાલમાં નાવલી નદી પર બની રહેલા રિવરફ્રન્ટની ઊંચી દીવાલો આ કુદરતી જળનિકાલના માર્ગમાં મોટો અવરોધ બની રહી છે.
સામાન્ય વ્યાખ્યા મુજબ રિવરફ્રન્ટના નિર્માણ માટે નદીના બંને કિનારાને ઊંચી આર.સી.સી. (RCC) દીવાલથી સુરક્ષિત કરવામાં આવે છે. નાવલી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં અવારનવાર પૂર કે ઘોડપૂર આવવાના દાખલાઓ મોજૂદ છે. હવે જ્યારે કિનારા પર ઊંચી દીવાલો ચણી દેવામાં આવી છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારો, ઢોળાવો અને નાળાઓમાંથી આવતું વરસાદી પાણી નદીમાં ભળવાને બદલે આ દીવાલો સાથે ભટકાઈને રોકાઈ જાય છે.
પરિણામે, આ અવરોધાયેલું પાણી પાછું (બેક મારે છે) રહેણાંક વિસ્તારો તરફ ફરી રહ્યું છે. જો પ્રવાહ વધશે તો પાણી લોકોના ઘરોમાં ઘૂસી જશે અને જૂના મકાનો તેમજ મિલકતો ધરાશાયી થવાનું કે મોટું જોખમ સર્જાવાનું પૂરું જોખમ છે.
રિવરફ્રન્ટની દીવાલ બનાવતી વખતે ચોમાસાના વહેતા પાણીના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા ન ગોઠવાતા હાલ શહેરના મહત્વના વિસ્તારો મુશ્કેલીમાં મુકાયા છે, જેમાં મુખ્યત્વે:
શાશ્વત સ્કૂલ વિસ્તાર
બેઠકજી આસપાસનો વિસ્તાર
કાશી વિશ્વનાથ મંદિર રોડ વગેરે
આ રસ્તાઓ અને તેની આસપાસના રહેણાંક વિસ્તારોના લોકોનું આવા-ગમન (ટ્રાફિક) સંપૂર્ણપણે બાધિત થાય છે. ચોમાસા દરમિયાન રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાઈ જતાં હોય તેવો માહોલ સર્જાય છે આવા સમયે દર્દીઓ, પ્રસૂતા મહિલાઓ, દેવદર્શન જતાં વૃદ્ધો અને શાળાએ જતા બાળકો માટે ચાલવું પણ અત્યંત મુશ્કેલ અને જોખમી બની જાય છે.
કોઈ મોટી હોનારત કે દુર્ઘટના સર્જાય તે પહેલાં નગરપાલિકા અને સંલગ્ન તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ ‘ઇમરજન્સી સંજ્ઞાન’ લેવામાં આવે તે અનિવાર્ય છે. પ્રશાસન હંમેશાં પ્રજાની સેવા અને સુખાકારી માટે જ હોય છે, ત્યારે તંત્ર સંવેદનશીલ બનીને આ પાણીના યોગ્ય નિકાલ માટે યુદ્ધના ધોરણે ગટર કે આઉટલેટની વ્યવસ્થા કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
સાવરકુંડલા વિસ્તારને લોકસેવા પ્રત્યે સતત સક્રિય અને હોશિયાર ધારાસભ્ય મળ્યા છે, ત્યારે જનતાને આશા છે કે ધારાસભ્યશ્રી પણ નગરપાલિકાને આ બાબતે યોગ્ય માર્ગદર્શન આપીને આ જટિલ સમસ્યાનો કાયમી અને ત્વરિત ઉકેલ લાવશે. વરસતાં વરસાદના ખળખળ વહેતા પાણી ડેમ પરથી ઓવરફ્લો થતાં પાણી કે રીમઝીમ વરસાદી દ્રશ્યો ખરેખર ખૂબ લોભામણાં લાગે. પરંતુ એ જ વર્ષારાણીનું રૌદ્ર સ્વરૂપ કેવું હોય એ દ્રશ્યો પણ આપણે ક્યા નથી જોયા.. અને હા, વધારે પાણી જમા થવાથી મચ્છરોને પણ ઉપદ્રવ વધે એ સ્વાભાવિક છે. નાવલીના જ ઘોડાપુરમાં નદીના વિસ્તારમાં કેટલી તારાજી સર્જી એ પણ એક ઇતિહાસ છે. અને કુદરત જ્યારે કોપાયમાન થાય ત્યારે તેની તમામ લીમિટો ક્રોસ કરી જાય છે.. આવી પરિસ્થિતિ વખતે આમ પાણી અવરોધાય તો કેવા પરિણામો આવે એ કલ્પના કરીએ તો પણ ધ્રૂજી જવાય.. માટે આ બાબતે કોઈ પણ સમયે કંઈ પણ થઈ શકે. પછી ખોટા બચાવ કરવા એ કરતા અત્યારે જ યુદ્ધના ધોરણે તેમના નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલુ કરી આવી પરિસ્થિતિને હલ કરવો એ જ ખરો રાજધર્મ ગણાય..કોઈ દુર્ઘટના સર્જાઈ પછી કોઈ બચાવ કરતા સ્ટેટમેન્ટ આપવા એ કરતા જાગ્યા ત્યાંથી સવાર એ ન્યાયે તુરંત સમસ્યા હલ કરવા ચક્રો ગતિમાન કરવા એ જ રાજનીતિમાં ખરું શાણપણ ગણાય.. અને પાણીને કોઈ વોર્ડ વિસ્તાર નથી હોતા પાણીનો કોઈ ધર્મ નથી હોતો પાણી ભારતની સરહદ વટાવી પાકિસ્તાનમાં પણ વહી શકે..!! એટલે જ કહેવત છે કે અજાણ્યા પાણી, અજાણી આગ અને અજાણી વ્યક્તિનો ભરોસો ન કરવો. પાણી જાય સલ્તનત પણ તાણી એ બાબતે સાનમાં સમજી યોગ્ય કાર્યવાહી થાય એ ઇચ્છનીય. બાકી હરિ કરે ઈ ખરી બોલો બિરબલ ખીચડી પાકે કે નહિ.? એક વાત પણ સમજવા જેવી છે કે જ્યારે કોઈ ડેમ બનાવવાની યોજના બને ત્યારે કેટલો વિસ્તાર ડૂબમાં જશે એનું સ્પષ્ટ આયોજન હોય છે અને આ સંદર્ભ જમીન સંપાદન થાય છે. અને વિસ્થાપિતોને યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવે છે. આવી જ રીતે જ્યારે કોઈ પુલ કે ઓવર ફ્લાય બનાવવાનો હોય તો તે સંદર્ભ ડાઈવર્ઝન ક્યાં નીકળશે ક્યાંથી આવવું અને ક્યાંથી જવું એ સંદર્ભ જાહેરનામું બહાર પડાય છે અને એ મુજબ રાહદારીઓ અને વાહન ચાલકોને ચાલવાનું હોય છે. તો પછી શહેરની શાન ગણાતા રિવર ફ્રન્ટ સંદર્ભ ચોમાસા દરમિયાન શહેરમાથી આવતા પાણીના નિકાલની કોઈ આગોતરી યોજના નહી વિચારાય હોય? જો કે આ પરિસ્થિતિ સંદર્ભે સાવરકુંડલા ચીફ ઓફિસર અને પ્રમુખ બંનેનું વલણ પોઝીટીવ છે. આજરોજ નગરપાલિકા ઈજનેર અને નિષ્ણાતની ટીમ પાણીના નિકાલ સંદર્ભે સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરશે. જો કે આ આયોજન આગોતરું હોવું જેઈતું હતું. ખૈર દેર આયે દુરસ્ત આયે એ ન્યાયે પણ આગામી દિવસોમાં આ વિસ્તારના નાગરિકોને ચોમાસા દરમિયાન રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે એ ઈચ્છનીય છે.
















Recent Comments