ભાવનગર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ભાવનગર જિલ્લાની પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો શુભારંભ

નવી પેઢીમાં કૃષિ સંસ્કૃતિ અને પર્યાવરણ પ્રત્યે સજાગતા કેળવવાના ઉમદા હેતુ સાથે આજે ભાવનગર
જિલ્લામાં એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી
શ્રીમતી નિમુબેન બાંભણીયાના વરદહસ્તે ભાવનગર જિલ્લાની પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો પ્રારંભ કરવામાં આવ્યો
છે.
વિદ્યાર્થીઓ બાળપણથી જ ખેતીના મહત્વને સમજે તથા પ્રાકૃતિક કૃષિ અંગે જાગરૂકતા આવે તે માટે
ભાવનગર તાલુકાની શ્રી સરતાનપર પ્રાથમિક શાળા ખાતે આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ,
ભાવનગરના સૌજન્યથી આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે.
આ પ્રસંગે માનનીય રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે અને જો તેઓ બાળપણથી જ
ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીના મહત્વને સમજશે, તો ભવિષ્યનું ભારત વધુ તંદુરસ્ત બનશે. શાળા પરિસરમાં
વિકસાવવામાં આવી રહેલા કિચન ગાર્ડનના માધ્યમથી વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ રીતે ગાય આધારિત ખેતી પદ્ધતિ,
જીવામૃત અને ઘનજીવામૃત બનાવવાની વિધિ વિશે પ્રાયોગિક જ્ઞાન મેળવશે અને પ્રાકૃતિક કૃષિ માટે સજાગ બનશે.
વિદ્યાર્થીઓમાં શ્રમનો મહિમા વધે અને તેઓ કિચન ગાર્ડનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ શકે તે માટે રાજ્યપાલ શ્રી
આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા દ્વારા શાળાના બાળકોને ખેતીના વિવિધ
ઓઝારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાધનો મેળવીને વિદ્યાર્થીઓના ચહેરા પર અનોખો આનંદ જોવા મળ્યો હતો.

Related Posts