ભાવનગર જિલ્લાના સરતાનપર ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ
પરિસંવાદ યોજાયો હતો.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માત્ર કૃષિ પદ્ધતિ નહીં,
પરંતુ માનવ આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ, જમીનની ફળદ્રુપતા અને આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય સાથે
જોડાયેલું રાષ્ટ્રીય અભિયાન છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીન, પાણી, હવા
અને ખાદ્યપદાર્થો પ્રદૂષિત બન્યા છે, જેના કારણે ગંભીર બીમારીઓમાં વધારો થયો છે તેમજ દેશને દર વર્ષે
રાસાયણિક ખાતરોની આયાત અને આરોગ્ય સેવાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પ્રાકૃતિક ખેતીનો
વ્યાપ વધે તો આ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી દેશના સર્વાંગી વિકાસને નવી ગતિ આપી શકાય.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિએ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાની સ્વાભાવિક વ્યવસ્થા ઊભી
કરી છે. અળસિયાં, સૂક્ષ્મજીવો અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતા વધારવાની સાથે
વરસાદી પાણીના સંવર્ધનને પણ પ્રોત્સાહન આપે છે, જ્યારે રાસાયણિક ખેતી જમીનને કઠોર બનાવી ભૂગર્ભ જળના
પુનર્ભરણમાં અવરોધ ઊભો કરે છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે, જમીનની તંદુરસ્તી સુધરે
છે, ઝેરમુક્ત અને પૌષ્ટિક અન્નનું ઉત્પાદન થાય છે તેમજ ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, વૈજ્ઞાનિકો દ્વારા ૧૦૫ મહિલાઓના માતાના દૂધ પર કરવામાં આવેલ સંશોધનમાં
તમામ નમૂનાઓમાં કીટનાશક, ડિટર્જન્ટ તથા યૂરિયાના અંશો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમણે આ
પરિસ્થિતિને અત્યંત ગંભીર ગણાવી, માનવ આરોગ્ય અને આગામી પેઢી માટે ખતરનાક સંકેત તરીકે વ્યાખ્યાયિત
કરી હતી.
રાજ્યપાલશ્રીએ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકેના પોતાના અનુભવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે,
પ્રાકૃતિક ખેતીના સકારાત્મક પરિણામોના આધારે ત્યાં હજારો ખેડૂતો આ અભિયાન સાથે જોડાયા હતા અને આજે લાખો
ખેડૂતો સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમણે મહિલા ખેડૂતોની વિશેષ પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે,
પ્રાકૃતિક ખેતીને જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂકેલા દરેક ખેડૂતને પોતાના ગામમાં ઓછામાં ઓછા દસ નવા
ખેડૂતોને પ્રેરિત કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જનભાગીદારીથી પ્રાકૃતિક ખેતીનું
વ્યાપક વિસ્તરણ થશે અને તેના પરિણામે ઝેરમુક્ત અન્ન, નિરોગી સમાજ, સમૃદ્ધ ખેડૂતો તથા વિકસિત ભારતના
સંકલ્પને નવી દિશા મળશે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને એક મિશન મોડ પર લેવા સરતાનપર ગામનાં
ગ્રામજનોને આહવાન કર્યું હતું.
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સમગ્ર
રાજ્યમાં તાલુકાવાર પ્રવાસ કરીને પ્રાકૃતિક ખેતીને જનઆંદોલનનું સ્વરૂપ આપવા અવિરત પ્રયાસ કરી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિનું સશક્ત માધ્યમ છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતા
જાળવે છે, ઉત્પાદન ખર્ચ ઘટાડે છે, ઝેરમુક્ત અને ગુણવત્તાસભર પાકનું ઉત્પાદન સુનિશ્ચિત કરે છે તેમજ ખેડૂતોની
આવકમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોના અનુભવો દર્શાવે છે કે જીવામૃત, ઘનજીવામૃત અને દેશી ગાય
આધારિત ખેતી આર્થિક રીતે પણ લાભદાયી સાબિત થઈ રહી છે.
તેમણે ભારતના અન્નદાતા ખેડૂતોને સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓ, આધુનિક ટેકનોલોજી અને બજાર
વ્યવસ્થાનો લાભ લઈને વધુને વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. સાથે જ રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક
ખેતી અભિયાનને જનભાગીદારી દ્વારા વધુ વેગ આપી તેને લોકચળવળમાં પરિવર્તિત કરવાનો સંકલ્પ લેવા સૌને
આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સરતાનપર ગામના રાત્રિ
રોકાણ દરમિયાન ગામની સ્વચ્છતા, હરિયાળી, પ્રાકૃતિક ખેતી પ્રત્યેની જાગૃતિ અને ગ્રામજનોની એકતાની પ્રશંસા કરી
હતી. હણોલ ગામની જેમ સરતાનપરને પણ પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા, વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ અને
જનભાગીદારીના આધારે આદર્શ ગામ તરીકે વિકસાવવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
રાજ્યપાલશ્રી તેમજ કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલની
મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યપાલશ્રીના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ચાર ખેડૂતોને તાલુકા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી
સન્માનિત કરવામાં આવ્યા હતા.
પરિસંવાદ દરમિયાન માલણકા ગામના ખેડૂત શ્રી રણછોડભાઈ બારૈયા અને કરેડા ગામના ખેડૂત શ્રી
પોપટભાઈ સોલંકીએ પ્રાકૃતિક કૃષિ અંગેના પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતાં.
આ પરિસંવાદમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી,
ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મહમદ રિઝવાન ઘાંચી, નાયબ ખેતી નિયામક શ્રી એસ.બી. વાઘમશી, આત્મા
વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે.એન.પરમાર, સરતાનપર ગામના સરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈ બારૈયા, જિલ્લાના
અધિકારીઓ, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સરતાનપર સહિતના આસપાસના ગામોના ખેડૂતો ઉપસ્થિત રહ્યાં
હતા.

















Recent Comments