ભાવનગરના કરેડા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી પોપટભાઈ સોલંકીએ સરતાનપર ખાતે યોજાયેલા પ્રાકૃતિક
કૃષિ પરિસંવાદમાં પોતાના જીવનના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં કોઈ પૂર્વ અનુભવ વિના
પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તે પહેલાં તેઓ રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ વધતા ખેતી ખર્ચ અને ઘટતી
આવકના કારણે આર્થિક સંકટમાં સપડાઈ દેવાના બોજ હેઠળ દબાઈ ગયા હતા. એક સમય એવો પણ આવ્યો હતો કે
ખેતીને ટકાવી રાખવી પણ મુશ્કેલ બની ગઈ હતી. તે દરમિયાન પીપળ ગામના પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક
ખેતીના મોડેલથી પ્રેરણા મેળવી તેમણે પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો, જેણે તેમના જીવનની દિશા જ બદલી
નાખી.
શ્રી પોપટભાઈ સોલંકીએ વધુમાં વાત કરતાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતીના આ પ્રવાસમાં ભાવનગરની ઉત્થાન
સંસ્થા, આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિભાગના અધિકારીઓનું સતત માર્ગદર્શન અને સહયોગ મળતા ખેતીમાં ધીમે ધીમે
સકારાત્મક પરિવર્તન આવ્યું છે. શરૂઆતમાં તેઓ ઓછી માત્રામાં પ્રાકૃતિક ઉત્પાદનો અમદાવાદના બજારમાં વેચવા
લઈ જતા હતા, પરંતુ આજે તેમની સાથે આસપાસના ગામોના આશરે ૧૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
તેમના જૂથ દ્વારા દર ગુરુવારે અને શનિવારે ચાર વાહનો મારફતે ખેડૂતો પાસેથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો એકત્રિત
કરીને અમદાવાદ અને ગાંધીનગરના ગ્રાહકો સુધી સીધા વેચાણ માટે પહોંચાડવામાં આવે છે. આ વ્યવસ્થાથી ખેડૂતોને
તેમના ઉત્પાદનોના યોગ્ય ભાવ મળી રહ્યા છે, જ્યારે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઝેરમુક્ત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ થઈ
રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ તેઓ દેવાના બોજમાંથી સંપૂર્ણપણે મુક્ત બન્યા છે અને
આર્થિક રીતે સશક્ત બન્યા છે. પ્રાકૃતિક કૃષિથી મળેલી આવકના પરિણામે તેમણે પોતાના માલિકીનું ટ્રેક્ટર અને ફોર-
વ્હીલર વાહન પણ ખરીદ્યું છે. હાલમાં તેઓ આધુનિક મોડલ ફાર્મ વિકસાવવાની દિશામાં કાર્ય કરી રહ્યા છે.
શ્રી પોપટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની વૈકલ્પિક પદ્ધતિ નથી, પરંતુ ખેડૂતોને
આત્મનિર્ભરતા, આર્થિક સમૃદ્ધિ અને સન્માનપૂર્ણ જીવન તરફ દોરી જતો સશક્ત માર્ગ છે. તેમણે રાજ્યપાલશ્રી આચાર્ય
દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતી જનજાગૃતિ અભિયાન, ઉત્થાન સંસ્થા, આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિભાગના માર્ગદર્શન
તથા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

















Recent Comments