અમરેલી જિલ્લાના સરંભડા ગામ ખાતે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સતાધારના મહંતશ્રી વિજયબાપૂની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમ દરમિયાન ગામના વિકાસને નવી દિશા આપતા વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ રૂ. ૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલા સુવિધા પથનું લોકાર્પણ કરી ગ્રામજનોને સમર્પિત કર્યું હતું. આ સુવિધા પથના નિર્માણથી ગામના નાગરિકોને સરળ અને સુરક્ષિત અવરજવર સુલભ બનશે તેમજ ગ્રામ વિકાસને વેગ મળશે.
ત્યારબાદ સરંભડા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમંત્રીશ્રીએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતાં વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ શાળા પરિસરમાં નિર્માણ પામનાર પુરસંરક્ષણ દિવાલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે શાળાના પરિસરની સુરક્ષા વધુ મજબૂત બનશે.
કાર્યક્રમ દરમિયાન દાતાશ્રીઓના સહયોગથી નિર્માણ પામેલા ગામના ભવ્ય પ્રવેશદ્વારનું પણ રાજ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામની ઓળખ અને સૌંદર્યમાં વધારો કરતું આ પ્રવેશદ્વાર ગ્રામજનો માટે ગૌરવનું પ્રતિક બનશે.
રાજ્ય સરકાર ગામડાંઓમાં પાયાની સુવિધાઓના વિકાસ માટે સતત કાર્યરત છે. વિકાસ કાર્યોમાં જનભાગીદારી અને દાતાશ્રીઓનો સહયોગ ગામોના સર્વાંગી વિકાસ માટે પ્રેરણારૂપ છે. તેમણે પર્યાવરણ સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને તેનું જતન કરવાની પણ અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યશ્રી આશિષભાઈ હરખાણી, ગામના અગ્રણીશ્રી મોટાભાઈ સંવટ, શ્રી દલસુખભાઈ દુધાત, શ્રી,મુકેશભાઈ હરખાણી, શ્રી આશિષભાઈ હરખાણી, શાળાના આચાર્યશ્રી દિગંત ઉપાધ્યાય સહિત ગ્રામજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments