લાઠી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ગાગડિયો નદી બે કાંઠે વહેતા લિલીયા તાલુકાના ભેસાણ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતાં આશરે 10થી 15 મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘરોમાં અચાનક પાણી ઘૂસતા પરિવારોમાં દોડધામ મચી ગઈ હતી.
પૂરના પાણી સાથે અનેક પરિવારોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ હતી. અનાજ, કપડાં, ફર્નિચર, ઘરવપરાશની ચીજવસ્તુઓ તેમજ અન્ય સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘણા પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડાવાની ફરજ પડી હતી. સતત વરસતા વરસાદને કારણે ગામના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જનજીવન પર તેની સીધી અસર જોવા મળી હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગાગડિયો નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઝડપથી ફરી વળ્યા હતા. જેના કારણે લોકોને ઘરવખરી બચાવવાનો પણ પૂરતો સમય મળ્યો નહોતો. ગામલોકોએ તંત્ર સમક્ષ નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.
હાલ વરસાદની સ્થિતિ પર સ્થાનિક તંત્ર સતત નજર રાખી રહ્યું છે. જો આગામી કલાકોમાં વધુ વરસાદ પડશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. લોકોને નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાથી દૂર રહેવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
ભેસાણ ગામમાં સર્જાયેલી આ સ્થિતિએ ગ્રામજનોને ભારે આર્થિક ફટકો પહોંચાડ્યો છે. હવે અસરગ્રસ્ત પરિવારો સરકાર તરફથી તાત્કાલિક સહાય અને નુકસાનના વળતરની આશા રાખી રહ્યા છે.














Recent Comments