ચોમાસાની ઋતુ શરૂ થતાં જ આપણી ટીવી સ્ક્રીન અને અખબારો પૂર, તૂટેલા પુલ, ધોવાઈ ગયેલા રસ્તાઓ અને પાણીમાં ડૂબેલા ગામોના સમાચારોથી ઉભરાવા લાગે છે. એકતરફ આપણે ડિજિટલ ઈન્ડિયા, બુલેટ ટ્રેન અને મેગા સિટીઝના આધુનિક સપના જોઈ રહ્યા છીએ, અને બીજી તરફ સામાન્ય વરસાદમાં પણ આપણું કરોડો-અબજોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. પર્યાવરણનું હનન એ કુદરતી હોનારતોનું એક પાસું ચોક્કસ હોઈ શકે, પરંતુ દર વર્ષે સર્જાતી આ તબાહી પાછળ માત્ર કુદરત નહીં, પણ આપણી માનવસર્જિત નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર અને નબળું વહીવટી મેનેજમેન્ટ જવાબદાર છે.
જ્યારે કોઈ નવો પુલ કે રસ્તો સામાન્ય વરસાદમાં પણ તૂટે છે, ત્યારે કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ આખી સિસ્ટમની સાંઠગાંઠ બહાર આવે છે. બાંધકામમાં સિમેન્ટ, લોખંડ અને કપચીના પ્રમાણમાં ખુલ્લેઆમ ચોરી કરવી એ હવે એક સામાન્ય બાબત બની ગઈ છે. પરિણામે, જે પુલની આવરદા ૫૦ વર્ષની હોવી જોઈએ, તે માત્ર ૫ જ વર્ષમાં ધસી પડે છે.
આ નબળા કામ પાછળ સબ-કોન્ટ્રાક્ટિંગની આખી ચેઈન જવાબદાર છે. મોટો સરકારી કોન્ટ્રાક્ટ કોઈ મોટી નામચીન કંપની રાખે છે, તે પોતાનો નફો કાઢીને બીજી નાની કંપનીને આપે છે, અને તે વળી કોઈ સ્થાનિક પેટી-કોન્ટ્રાક્ટરને કામ સોંપી દે છે. આ લાંબી સાંકળમાં દરેક સ્તરે નફો કમાવવાના ચક્કરમાં મુખ્ય કામની ગુણવત્તા સાવ તળિયે બેસી જાય છે. સરકારી એન્જિનિયરો, જેમનું મુખ્ય કામ કોન્ટ્રાક્ટરના કામ પર કડક દેખરેખ રાખવાનું છે, તેઓ પણ આ મિલી ભગતમાં સામેલ થઈ નબળા કામને લીલી ઝંડી આપી દે છે. બાંધકામ પૂરું થયા પછી તેનું થર્ડ પાર્ટી ક્વોલિટી ઓડિટ પણ માત્ર કાગળ પર જ થાય છે.
આજે સ્માર્ટ સિટીના નામે માત્ર ઉપર છલ્લા રોડ ચમકાવવામાં આવી રહ્યા છે, *પરંતુ જમીનની નીચે ડ્રેનેજ (પાણીના નિકાલ)ની સિસ્ટમ આજે પણ ૫૦ વર્ષ જૂની જ રાખવામાં આવે છે*. બિલ્ડરો અને ભ્રષ્ટ નેતાઓની સાંઠગાંઠના કારણે નદી, નાળા કે તળાવના કુદરતી કેચમેન્ટ એરિયા (જ્યાં પાણી કુદરતી રીતે ભરાતું કે વહી જતું હોય) પર જ આડેધડ સોસાયટીઓ અને શોપિંગ મોલ ઊભા કરી દેવાય છે. પરિણામે, વરસાદી પાણીના નિકાલના તમામ કુદરતી માર્ગો બંધ થઈ જતાં આખેઆખા શહેરો જળબંબાકાર બની જાય છે.
*”વિકાસ એટલે માત્ર સિમેન્ટ-કોંક્રિટના જંગલો ઊભા કરવા નહીં, પણ કુદરત સાથે તાલમેલ મિલાવીને ટકાઉ (Sustainable) માળખું તૈયાર કરવું.”*
કુદરતી આપત્તિઓ દુનિયાના દરેક ખૂણે આવે છે. *અમેરિકામાં વાવાઝોડા આવે છે, જાપાનમાં વિનાશક ભૂકંપ અને પૂર આવે છે અને યુરોપમાં પણ અતિવૃષ્ટિ થાય છે. પરંતુ, આપણા અને તેમના મેનેજમેન્ટમાં જમીન-આસમાનનો તફાવત છે*
બાબત ભારતમાં સ્થિતિ સામે વિકસિત દેશોની સ્થિતિ (જાપાન, સિંગાપોર, વગેરે)
આયોજન (Planning)
ટૂંકા ગાળાનું આયોજન (માત્ર આગામી ચૂંટણી કે ચોમાસા પૂરતું જ મર્યાદિત).જ્યારે વિદેશમાં લાંબા ગાળાનું આયોજન (આગામી ૫૦ થી ૧૦૦ વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને).
ટેક્નોલોજીનો ઉપયોગ ટેક્નોલોજીનો નહિવત ઉપયોગ, હજુ પણ જૂની પદ્ધતિઓ અને કાગળ પરના નકશાઓ પર નિર્ભરતા જ્યારે વિદેશોમાં GIS મેપિંગ, સેટેલાઈટ ડેટા અને ‘સ્પોન્જ સિટી’ (જે પાણી સોસી લે) જેવી આધુનિક ટેકનોલોજીનો અમલ.
જવાબદારી અને સજા અકસ્માત પછી તપાસ સમિતિઓ બને, ફાઈલો દબાઈ જાય, અને સજા ભાગ્યે જ કોઈને થાય છે.*જયારે વિદેશમાં માળખું નબળાઈને કારણે તૂટે તો કંપની આજીવન બ્લેકલિસ્ટ થાય, કરોડોનો દંડ થાય અને જેલની સજા થાય.*
મેગા પ્રોજેક્ટ્સ ઉદાહરણ તરીકે અબજોના ખર્ચે બનેલા સિક્સ લેન જેવા હાઈવે પર પણ ભુવા પડે છે અને લોકો જીવ ગુમાવે છે.*જયારે ટોક્યો જેવા વિદેશના શહેરમાં અંડરગ્રાઉન્ડ ટનલ નેટવર્ક (G-Cans) અને સિંગાપોરમાં વરસાદી પાણી સીધું અંડરગ્રાઉન્ડ રિઝર્વોયરમાં સ્ટોર થાય છે.અને એ પાણી પાછું રીફાઈન કરી રોજીંદા જીવનમાં ઉપયોગી પણ થાય છે*
આપણા દેશમાં અબજોના ખર્ચે તૈયાર થયેલ સીક્સ લેન જેવા સુપરફાસ્ટ રોડ પર પણ પાણી ફરી વળે છે અને મોટા ભુવા પડે છે. આ ભુવાના કારણે અનેક નિર્દોષ લોકોના જાન પણ હોમાય છે. *દુર્ઘટના બને ત્યારે થોડા દિવસ રીડિયારમણ થાય છે, નેતાઓ પ્રેસ કોન્ફરન્સમાં વિવિધ બયાનબાજી કરે છે અને અધિકારીઓને કાગળ પર ખખડાવી પણ નાખે છે. રસ્તાઓની કામચલાઉ મરામત થાય છે અને પછી જાણે કશું બન્યું જ નથી તેમ બધુ ભુલાઈ જાય છે,* અને જનતા વળી પાછી નિરર્થક મુદ્દાઓની ચર્ચાઓમાં વ્યસ્ત થઈ જાય છે!
આવતાં ચોમાસે વળી પાછી *એ જ સ્થિતિ સર્જાય છે, ‘ઈનુંઈ’ વળી પાછી કુદરતી આફતો આવે અને નેતા-અધિકારીઓ તથા સમાજ સેવકોની વણજાર ઘટનાગ્રસ્ત વિસ્તારની મુલાકાતો લેવા દોડી જાય છે. લોકો પોતાનો આક્રોશ અને બળાપો કાઢે, તેને નેતાઓ શાંતિપૂર્ણ માહોલમાં સાંભળે છે. આંખમાંથી મગરના આંસુ અને સંવેદનાના ફુવારા છૂટે, આ તમામ બાબતો કેમેરામાં કંડારાય અને બીજા દિવસે વર્તમાનપત્રોની મુખ્ય હેડલાઈન બની જાય છે!* મૂળ મુદ્દો એ છે કે ગયા વર્ષની દુર્ઘટના પરથી કોઈ જ બોધપાઠ લેવાતો નથી. આ આખી ઘટના *’કાશીએ જઈ મેલ કરવત, ઈ ના ઈ’ જેવી ઘાટ સાબિત થાય છે.*
ઘણીવાર આ મામલાઓ અદાલતમાં પહોંચે છે, જ્યાં ખામી કોની અને કઈ આ બાબતે લાંબી કાયદાકીય ચર્ચાઓ થાય છે. બચાવ અને આરોપ વચ્ચે કેસ એક અદાલતથી બીજી અદાલતમાં સરકી જાય છે. છટકબારીઓ અને કાયદાકીય લૂપહોલના કારણે કેસ એવો અટવાઈ જાય છે કે *સત્ય સામે આવતા ખાસ્સો સમય વીતી જાય છે. ફેંસલો આવે ત્યાં સુધીમાં તો એ દુર્ઘટના આમજનતાની સ્મૃતિમાંથી સાવ ગાયબ થઈ ગઈ હોય છે.* આ આપણું કડવું સત્ય છે, કારણ કે ત્યાં સુધીમાં અનેક નવી દુર્ઘટનાઓ બની ચૂકી હોય છે અને જૂની ઘટનાઓ વિસરાઈ જાય છે.
જો આપણે આ કાયમી આફતમાંથી મુક્તિ મેળવવી હોય તો હવે કડક વલણ અપનાવવું જ પડશે. અખબારી માધ્યમ દ્વારા સરકાર અને જનતા સમક્ષ નીચે મુજબના સૂચનો રજૂ કરવામાં આવે છે:
*નબળા કામ બદલ માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં, પણ જે સરકારી એન્જિનિયરે કે સુપરવાઈઝરે તેને મંજૂરી આપી હોય તેની મિલકત જપ્ત થવી જોઈએ અને તેને કડક જેલની સજા થવી જોઈએ.* કોઈપણ નવો રોડ, હાઈવે કે સોસાયટી બનાવતા પહેલા પાણીના નિકાલની વૈજ્ઞાનિક વ્યવસ્થા ૧૦૦% પાકી હોવી જ જોઈએ. જ્યાં સુધી સામાન્ય જનતા ભ્રષ્ટાચાર અને નબળા કામને *’આ તો બધે ચાલ્યા કરે’ કહીને સ્વીકારતી રહેશે, ત્યાં સુધી દર ચોમાસે આપણા ટેક્સના કરોડો રૂપિયા આ પાણીમાં વહી જશે.* આપણે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા જવાબદારોને ટેગ કરીને પ્રશ્નો પૂછવા પડશે અને આપણી આસપાસ થતા ગેરકાયદેસર બાંધકામો સામે અવાજ ઉઠાવવો જ પડશે.
આ અહેવાલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પક્ષ કે વહીવટી તંત્રની વ્યક્તિગત ટીકા કરવાનો નથી, પરંતુ દર વર્ષે ચોમાસા દરમિયાન નાગરિકોને વેઠવી પડતી હાલાકી અને પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નબળાઈઓ તરફ ધ્યાન દોરીને એક મજબૂત અને જવાબદાર વ્યવસ્થાના નિર્માણ માટે અવાજ ઉઠાવવાનો છે.
–પ્રસ્તુતિ પ્રિયંકભાઈ પાંધી સાવરકુંડલા.














Recent Comments