અમરેલી

અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ પશ્વિમ ગુજરાત વીજ કંપનીની ૧૯૨ ટીમોએ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી સ્થિતી પૂર્વવત કરવાનો સ્તુત્ય પ્રયાસ

અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પછીનું દૃશ્ય માત્ર પાણી ભરાયેલા રસ્તાઓ કે છલકાતા નદીઓ પૂરતું મર્યાદિત નહોતું. અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા અંધકાર છવાઈ ગયો હતો. આવા સમયે વરસાદથી ભીંજાયેલા કપડાં, કાદવથી ભરાયેલા રસ્તાઓ અને જોખમી પરિસ્થિતિ વચ્ચે પણ એક એવી ટીમ સતત કાર્યરત હતી, જેના માટે નાગરિકોના ઘરોમાં ફરી પ્રકાશ પહોંચાડવો વધુ મહત્વનો હતો. આ ટીમ હતી અમરેલી પી.જી.વી.સી.એલ સર્કલના અધિકારીઓ, ઇજનેરો અને વીજકર્મીઓની.

અમરેલી પી.જી.વી.સી.એલ સર્કલના અધિક્ષક ઈજનેર શ્રી સી.સી.ડામોરના માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર મેદાનમાં ઉતરી પડ્યું હતું. ભારે વરસાદના કારણે સર્કલના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા ૮૮ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ કચેરીમાં બેસીને સૂચનાઓ આપવાને બદલે જાતે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને કામગીરીનું નેતૃત્વ સંભાળ્યું.

શ્રી ડામોર સતત અધિકારીઓની ટીમ સાથે ફિલ્ડમાં પેટ્રોલિંગ કરીને દરેક વિસ્તારની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, તા. ૪ જુલાઈના રોજ વરસેલા ભારે વરસાદથી શરૂઆતમાં ૨૪ ગામોમાં સંપૂર્ણ ડાર્કઆઉટ સર્જાયો હતો. ત્યારબાદ તા. ૫ જુલાઈથી ૬૮ વિશેષ ટીમો સાથે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જેમ જેમ વરસાદની અસર વધતી ગઈ તેમ તેમ કામગીરીનું વ્યાપ પણ વધારવામાં આવ્યું. પી.જી.વી.સી.એલની ૧૨૫ ટીમો અને કોન્ટ્રાક્ટર એજન્સીની ૬૭ ટીમો – કુલ મળીને ૧૯૨ ટીમના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ દિવસ અને રાતનો ભેદ ભૂલીને સતત મરામત કામગીરી હાથ ધરી. ક્યાંક પાણી ભરાયેલા ખેતરો વચ્ચે થાંભલા ઊભા કર્યા, તો ક્યાંક વરસાદ વચ્ચે તૂટેલી લાઇનો જોડવાની હતી. દરેક સ્થળે એક જ ધ્યેય હતો કે લોકોના ઘરોમાં ફરી અજવાળું પહોંચાડવાનું છે.

શ્રી ડામોરે જણાવ્યું હતું કે, આ અવિરત પ્રયાસોના પરિણામે પ્રભાવિત ૩૭૦ ફીડરમાંથી ૩૬૮ ફીડર પૂર્વવત કરવામાં આવ્યા છે. વરસાદથી નુકસાન પામેલા ૩૯૭ વીજ થાંભલામાંથી ૩૮૦થી વધુ થાંભલા ફરી ઉભા કરવામાં આવ્યા છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં નુકસાન પામેલા ૩૨ ટ્રાન્સફોર્મરમાંથી ૩૦ ટ્રાન્સફોર્મર કાર્યરત કરી દેવામાં આવ્યા છે. પરિણામે આજે ૮૦થી વધુ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત થઈ ગયો છે, જ્યારે બાકીના ગામોમાં પણ અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે અને આજે જ તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત ખેતીવાડીના બંધ ફીડરો પૈકી જે ખેતરો સુધી ટીમ પહોંચી શકી છે ત્યાં પૂર્વવત કરી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય બંધ ફીડરો શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ છે.

આ સમગ્ર કામગીરી દરમિયાન વીજકર્મીઓ માટે વરસાદ કોઈ અવરોધ બન્યો નહીં. સતત વરસતા વરસાદ, કાદવભર્યા માર્ગો, પાણીમાં ગરકાવ વિસ્તારો અને જોખમી પરિસ્થિતિ વચ્ચે પણ તેઓ એક પછી એક ખામી દૂર કરતા રહ્યા. તેમના માટે દરેક ગામ માત્ર એક સ્થળ નહોતું, પરંતુ હજારો પરિવારોના જીવનમાં ફરી પ્રકાશ પહોંચાડવાની જવાબદારી હતી.

કુદરતી આફતના સમયમાં ઘણીવાર લોકો વીજળી જતી હોવાની અસુવિધા અનુભવે છે, પરંતુ તેની પાછળ સેંકડો વીજકર્મીઓની અવિરત મહેનત, જોખમ અને સમર્પણ છુપાયેલું હોય છે. અમરેલી પી.જી.વી.સી.એલની ટીમે આ કામગીરી દ્વારા ફરી એકવાર સાબિત કર્યું છે કે, જનસેવામાં નિષ્ઠા, ટીમવર્ક અને કર્તવ્યપરાયણતા હોય તો કુદરતના પડકારો પણ વિકાસના માર્ગમાં અવરોધ બની શકતા નથી.

વરસાદે ભલે થોડા સમય માટે અંધકાર પાથર્યો હોય, પરંતુ પી.જી.વી.સી.એલના કર્મયોગીઓની ફરજપ્રતિની પ્રતિબદ્ધતાએ અમરેલીના ગામોમાં ફરી અજવાળું પ્રગટાવ્યું છે.

Related Posts