અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓ, ચેકડેમ અને જળાશયોમાં પાણીનો પ્રવાહ અત્યંત જોખમી બન્યો છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા નદીઓમાં નાહવા, પૂરગ્રસ્ત વિસ્તારોમાં જવા તેમજ ચેકડેમ નજીક ભેગા ન થવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં ધારેશ્વર ગામ નજીક ઢાતરવડી નદી અને ચેકડેમમાં ભયજનક પાણીનો પ્રવાહ હોવા છતાં ત્રણ યુવકો નાહવા માટે પાણીમાં ઉતરી ગયા હતા.
આ અંગે જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ત્રણેય યુવકોને પાણીમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે લાવવામાં આવ્યા હતા. જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે ત્રણેયને ઝડપી લઈને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અને જિલ્લા તંત્રએ લોકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન નદીઓ, ચેકડેમ, કોઝવે અને અન્ય જળાશયો પાસે જવાનું ટાળવું જોઈએ. પાણીનો પ્રવાહ સામાન્ય દેખાતો હોવા છતાં અચાનક વધતા પ્રવાહથી જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે. પોતાની તેમજ પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રની સૂચનાઓનું પાલન કરવું અને જોખમ ન લેવું જરૂરી છે. વરસાદી માહોલ દરમિયાન સાવચેતી જ સૌથી મોટું રક્ષણ હોવાનું તંત્રએ ફરી એકવાર જણાવ્યું છે.















Recent Comments