અમરેલી જિલ્લાના કથીવદર ગામમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સ્થિતિનું નિરીક્ષણ કરવા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને સ્થાનિક લોકો સાથે ચર્ચા કરવામાં આવી તેમજ તેમની મુશ્કેલીઓ અને જરૂરિયાતોની જાણકારી મેળવી હતી.
મુલાકાત દરમિયાન ખેતરોમાં થયેલા નુકસાન, રસ્તાઓની સ્થિતિ, પાણી ભરાવાની સમસ્યા તેમજ અન્ય જાહેર સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી. અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે જરૂરી સહાય મળી રહે અને નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં રાહત તથા પુનઃસ્થાપન કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા તેમજ જે. વી. કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે સંવાદ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી અને તંત્રને લોકોની સમસ્યાઓનો ત્વરિત નિકાલ લાવવા માટે સંવેદનશીલ રીતે કામગીરી કરવાની સૂચના આપી હતી.
મુલાકાત દરમિયાન અધિકારીઓને નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરીને જરૂરી સહાયની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા ભાર મૂકવામાં આવ્યો હતો. સરકાર અસરગ્રસ્ત લોકોની સાથે છે અને જનજીવન ઝડપથી પૂર્વવત્ થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.















Recent Comments