અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામમાં ચોમાસાના ભારે વરસાદના કારણે પુલ તૂટી જતાં સર્જાયેલી પરિસ્થિતિની રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાએ સ્થળ પર પહોંચી રૂબરૂ સમીક્ષા કરી હતી. તેમની સાથે વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રીએ તૂટેલા પુલનું નિરીક્ષણ કરીને ગ્રામજનો સાથે ચર્ચા કરી અને અવરજવર તેમજ દૈનિક જીવનમાં ઉભી થયેલી મુશ્કેલીઓની માહિતી મેળવી હતી. પુલ તૂટી જવાને કારણે ગામના લોકોને આવન-જાવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક વૈકલ્પિક માર્ગ અને અવરજવરની વ્યવસ્થા ઊભી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી રાહત અને સહાયની કામગીરી ઝડપથી શરૂ કરવા તેમજ પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે પણ અધિકારીઓને સક્રિય કરવામાં આવ્યા હતા. મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે લોકોની સુરક્ષા સરકારની પ્રથમ પ્રાથમિકતા છે અને વરસાદી પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય તો તેનો ત્વરિત નિકાલ લાવવામાં આવશે.
ગ્રામજનોએ પણ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી, જેને ધ્યાનમાં લઈને તંત્રને ઝડપી અને અસરકારક કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.















Recent Comments