અમરેલી જિલ્લાના અમરેલી, કુંકાવાવ અને વડિયા તાલુકામાં હાથ ધરાયેલા વ્યાપક જળસંચય અને તળાવો ઊંડા કરવાની કામગીરીના પરિણામે પ્રથમ જ વરસાદમાં અનેક તળાવોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્ય સરકારના સહયોગથી થયેલા જળસંચય અભિયાનને મળેલી આ સફળતાના અનુસંધાને આજે અમરેલી તાલુકાના વરસડા ગામે પાણીથી છલકાતા તળાવ ખાતે નવા નીરના વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો. ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને તથા અમરેલીના સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ગામલોકોએ નવા નીરના વધામણા કરી જળસંચયના પ્રયાસોને આવકાર્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા તળાવો ઊંડા કરવા, જળસંગ્રહ ક્ષમતા વધારવા અને વરસાદના દરેક ટીપાને સંરક્ષિત કરવા માટે હાથ ધરાયેલા અભિયાનના પરિણામો હવે સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. પ્રથમ જ વરસાદમાં તળાવો પાણીથી ભરાવા લાગતાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે, ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે તેમજ આગામી સમયમાં પીવાના પાણીની ઉપલબ્ધિ પણ વધુ સુદૃઢ બનશે. જળસંચયના આવા પ્રયાસો ગ્રામ વિકાસ અને કૃષિ સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.
કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનોએ વરસડા તળાવના બ્યુટીફીકેશન તેમજ મજબૂતીકરણ સહિતના વિકાસલક્ષી મુદ્દાઓ અંગે રાજ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરી હતી. રાજ્યમંત્રીશ્રીએ રજૂ થયેલા સૂચનો અંગે હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યશ્રી દેવમુરારી, અગ્રણીશ્રી ચેતનભાઈ ધાનાણી, ગામના સરપંચશ્રી તથા ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments