આહવા: તા: ૧૧: ડાંગ તેજસ્વીની સંસ્કૃતિ ધામ, વાસુરણા સંચાલિત તથા આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત ‘શિવાશ્રય તેજસ્વીની છાત્રાલય’ ખાતે શિક્ષા, સંસ્કાર અને સહયોગનો અનોખો ત્રિવેણી સંગમ સર્જાયો હતો.
અનાવિલ સૈયરસખા ચેરિટેબલ ટ્રસ્ટ, સુરતના પ્રણેતા વિભૂતિબેન દેસાઈ તથા તેમની સહયોગી ટીમે બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યમાં સંચાલિત શિવાશ્રય તેજસ્વીની છાત્રાલયની 50 આદિજાતિ બાલિકાઓને જીવનજરૂરિયાતની વિવિધ સામગ્રીનું દાન કર્યું હતું. આ દાનમાં પેટીઓ, દફતર, છત્રીઓ, કટલરીનો સામાન, ઇન્ડોર ગેમ્સ, કપડાં સહિતની ઉપયોગી વસ્તુઓનો સમાવેશ થતો હતો.
કાર્યક્રમની વિશેષતા એ રહી કે મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છના બદલે પુસ્તક અને ખેસ અર્પણ કરીને કરવામાં આવ્યું. જે જ્ઞાન અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતું હતું. છાત્રાલયની દીકરીઓએ પ્રાર્થના રજૂ કરી તેમજ પરંપરાગત ડાંગી લોકનૃત્ય દ્વારા મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય દીદી દ્વારા સૌને ધ્યાન કરાવી આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.
છાત્રાલયમાં દીકરીઓને આપવામાં આવતું ગુણવત્તાયુક્ત શિક્ષણ, શિસ્ત, સ્વચ્છતા અને સંસ્કારથી પ્રભાવિત થઈ અનાવિલ સૈયરસખા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોકડદાન પણ અર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ ભવિષ્યમાં પણ છાત્રાલયને વધુ સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી હરીશભાઈ, પૂજા, સુષ્મા, ભૂમિ, પ્રણીતા, દીપ્તિ, કલ્પના, રીના, રંજના, યોગેશભાઈ, વિનયભાઈ સહિત અનાવિલ સૈયરસખા પરિવારના સભ્યો તેમજ તેજસ્વીની સંસ્કૃતિ પરિવારના તમામ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ શિક્ષણ, સેવા, સંસ્કાર અને સમાજ સહયોગના મૂલ્યોને પ્રેરણાદાયી રીતે ઉજાગર કરતો રહ્યો હતો.

















Recent Comments