અમરેલી

સાવરકુંડલામાં ચોમાસાનો અજીબ મિજાજ: વરસાદ ગાયબ, અસહ્ય ઉકળાટથી જનજીવનમાં ઉકળાટ

શહેરમાં પાંચેક દિવસ પહેલાં વરસેલા વરસાદ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ચોમાસાની ઋતુ વચ્ચે પણ હાલમાં કાળઝાળ ઉનાળા જેવો અસહ્ય ઉકળાટ અને ગરમી અનુભવાઈ રહી છે. આકાશમાં વાદળોની ઘેરાબંધી તો જોવા મળે છે, પરંતુ તે માત્ર ‘દંભ અને ડોળ’ સમાન સાબિત થઈ રહી હોય તેવો ઘાટ ઘડાયો છે. જાણે ચોમાસું લોકો સાથે છેતરપિંડી કરી રહ્યું હોય તેમ મેઘરાજા હાથતાળી આપી રહ્યા છે.

આ અસહ્ય બફારાથી બચવા માટે લોકોએ ફરીથી બપોરે અને રાત્રે પંખા ફૂલ સ્પીડમાં ચાલુ કરવા પડ્યા છે. જે પરિવારો પાસે સગવડતા છે, તેઓએ એ.સી. ચાલુ કરીને આ અકળાવનારી ગરમીથી રાહત મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ભર ચોમાસે ઉનાળા જેવો અહેસાસ થતાં લોકો આકૂળ-વ્યાકૂળ બન્યા છે.

બીજી તરફ, અગાઉ પડેલા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. આવક ઘટતાની સાથે જ બજારમાં શાકભાજીના ભાવમાં  વધારો જોવા મળે છે. વાતાવરણના ઉકળાટની સાથે શાકભાજીના ભાવ વધારાએ પણ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ગરમી વધારી દીધી છે. લોકો હવે આ ઉકળાટમાંથી મુક્તિ મેળવવા અને મોંઘવારી હળવી થાય તે માટે સાચા અર્થમાં પુનઃ ધબધબાટી બોલાવતા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

Related Posts