રોડની ગુણવત્તા અંગે ઉઠતાં સવાલો. શું આ નવા ભારતની તસવીર હોય શકે?
સ્થાનિક વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત તેમજ નબળી ગુણવત્તાના કામનો જીવતો જાગતો નમૂનો સાવરકુંડલાના મુખ્ય માર્ગ પર જોવા મળી રહ્યો છે. જનતાના પરસેવાના ટેક્સના પૈસાથી માંડ એક મહિના પહેલાં બનેલો નવો નકોર રોડ સામાન્ય વરસાદમાં જ બિસ્માર હાલતમાં ફેરવાઈ જતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ગંભીર લાપરવાહીનો પર્દાફાશ કરતો એક લાઈવ વીડિયો વોર્ડ નં. ૯ ના કોંગ્રેસ કાર્યકર ઉવૈજ કાદરી દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવતાં રાજકારણ અને વહીવટી તંત્રમાં ગરમાવો આવી ગયો છે.
આ મુખ્ય માર્ગની બાજુમાં જ સરકારી કોર્ટ, મામલતદાર કચેરી અને મોટી હોસ્પિટલો આવેલી હોવાથી અહીં દર્દીઓ, વકીલો અને સામાન્ય નાગરિકોની રાત-દિવસ સતત અવરજવર રહે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આખો રોડ અંદરથી પોલો થઈ ગયો છે. ડામર સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે અને જમીન ધસી પડી છે, જે નબળા ભોંયતળિયા અને હલકી કક્ષાના મટીરિયલના વપરાશ તરફ આંગળી ચીંધે છે. લાખો રૂપિયાના બજેટથી બનેલો રોડ એક મહિનો પણ ન ટકતાં તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે.
રોડ તૂટી જવાને કારણે અહીં રોજ નાની-મોટી અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ચોમાસાના કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી. હાલમાં જ એક ગાડી આ જ જીવલેણ ખાડામાં ફસાઈ ગઈ હતી, જેને લોકોએ મહામુસીબતે બહાર કાઢી હતી. રાત્રિના સમયે આ સ્થિતિ વધુ જોખમી સાબિત થઈ શકે છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ બેરિકેડ કે ચેતવણી બોર્ડ સુધા મૂકવામાં આવ્યું નથી. અંતે કંટાળીને સ્થાનિક લોકોએ અકસ્માત નિવારવા માટે ખાડાઓમાં મોટા પથ્થરો (પાણા) અને ઝાડની ડાળીઓ મૂકવાની ફરજ પડી છે.
*”આ રોડ એક મહિનો પણ ટક્યો નથી. કોન્ટ્રાક્ટર અને નેતાઓની મિલીભગત વગર આવું હલકું કામ શક્ય જ નથી. પ્રજા જે કષ્ટ વેઠીને ટેક્સ ભરે છે, તેના પૈસાનો આ રીતનો ગેરઉપયોગ ક્યાં સુધી ચલાવી લેવાશે?”*
— ઉવૈજ કાદરી, કોંગ્રેસ કાર્યકર (વોર્ડ નં. ૯)
આ અહેવાલ બાદ સ્થાનિક નાગરિકો વહીવટી તંત્ર સામે સીધા સવાલો ઉઠાવી રહ્યા છે:
આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર કોણ અને શું તેના કામનું ગુણવત્તા પ્રમાણપત્ર લેવાયું હતું?
અકસ્માતોની હારમાળા સર્જાવા છતાં સંબંધિત સુપરવાઇઝર કે એન્જિનિયરોએ હજુ સુધી આની નોંધ કેમ નથી લીધી?
શું માર્ગ અને મકાન વિભાગ આ નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં આવશે
વિપક્ષી કાર્યકર દ્વારા જનતાની વેદનાને વાચા આપતો આ વીડિયો સામે આવ્યા બાદ હવે જોવાનું એ રહે છે કે ઊંઘતું વહીવટી તંત્ર જાગશે અને ગુનેગારો સામે એક્શન લેશે, કે પછી ભ્રષ્ટાચારના આ ખેલમાં સાવરકુંડલાની જનતા પીસાતી રહેશે.

















Recent Comments