અમરેલી

બદલાતો ટ્રેન્ડ: મુખવાસનું ગૌરવ ગણાતા નાગરવેલના પાન હવે કાઠિયાવાડમાં કેમ વિસરાયા?

​આપણી ભારતીય સંસ્કૃતિમાં નાગરવેલના પાનનું એક અનોખું અને પવિત્ર સ્થાન રહ્યું છે. આયુર્વેદિક દ્રષ્ટિએ સ્વાસ્થ્યવર્ધક ગણાતું અને વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રભુના મુખવાસ માટે ‘પ્રસાદીના બીડા’ તરીકે અર્પણ થતું પાન આજે હાઈટેક અને પ્લાસ્ટિક યુગની ભેટ ચડી ગયું હોય તેમ લાગે છે. *સાહિત્યમાં જેનો ઉલ્લેખ “મુખવાસ દઈશું એલચી દેશું, પાનના બિડા વાલમ ઘરે આવોને…” તરીકે પ્રેમભાવ પ્રગટ કરવા થતો, અને સિનેમા જગતમાં ‘ખાઈકે પાન બનારસવાલા’ પાન ખાયે સૈયા હમારો.. જેવા ગીતોથી જેની લોકપ્રિયતા ગુંજતી, એ પાન આજે ક્યાંક ખોવાઈ ગયું છે.*

*​સાવરકુંડલામાં પાનની દુકાનો પર ‘ઊંહું ઊંહું’!*

​જો સાવરકુંડલા શહેરની જ વાત કરીએ, તો જુના જમાનાની સરખામણીમાં હવે ગણ્યા-ગાંઠિયા પાનની દુકાનો પર જ નાગરવેલનું મસાલા પાન જોવા મળે છે. તાજેતરમાં જ હાથસણી રોડ પર ડોકિયું કરતાં એક વરવી વાસ્તવિકતા સામે આવી કે, મોટાભાગની દુકાનો પર પરંપરાગત મસાલા પાન મળતા જ નથી! હા, પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલા તમાકુ કે અન્ય ફ્લેવરવાળા માવા-મસાલા જોઈએ તેટલા મળી જશે, પણ અસલ પાન માંગો એટલે દુકાનદાર હાથ અધ્ધર કરી દે છે. આના પરથી સવાલ એ થાય છે કે લોકોનો ટ્રેન્ડ બદલાયો છે, પાનની ઉપલબ્ધતા ઘટી છે કે પછી તમાકુના માવાએ આ પરંપરાગત મુખવાસને ગળી લીધો છે?

​ભલે રોજિંદા જીવનમાંથી પાન ગાયબ થઈ રહ્યું હોય, પણ શુભ પ્રસંગોએ તેનો દબદબો આજેય બરકરાર છે. *તાજેતરમાં જ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણીના સુપુત્ર સિદ્ધાર્થના લગ્નભોજનમાં મહેમાનો માટે ખાસ વિવિધ મસાલાઓથી સભર પાન પીરસવામાં આવ્યા હતા. આ પાનનો સ્વાદ એટલો અદ્ભુત હતો કે મહેમાનો એકને બદલે બબ્બે પાન આરોગવા લાગ્યા, જેને કારણે પાનની અછત સર્જાતા તાબડતોબ બીજા ૨૦૦ પાન મંગાવવા પડ્યા હતા! આ દર્શાવે છે કે લોકોને અસલ સ્વાદ તો આજેય વહાલો છે.*

​કાઠિયાવાડમાં જામનગરના મસાલા પાનની વાત જ કંઈક ઓર છે. *જામનગરમાં શિક્ષિકા અને સામાજિક સેવાભાવી સોનિયાબેન પાંધી જણાવે છે કે, “જામનગરનું મસાલા પાન કદ અને સ્વાદમાં એટલું ભરપૂર હોય છે કે એક આખું પાન એક વ્યક્તિ એકલો ખાઈ જ ન શકે!” આજે પણ જામનગરમાં મેરેજ પાન, હનીમૂન પાન જેવી અનેક અવનવી જાતો મળે છે. બનારસી, બાંગ્લા, દેશી નાગરવેલ અને કપૂરી પાન જેવી જાતો આજેય પાન-રસિકોના દિલ જીતી રહી છે.* પાનના ઘટતા જતાં ચલણ સંદર્ભે *સાવરકુંડલાના પાનના હોલસેલ વેપારી પ્રકાશભાઈ વણજારાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હવે પહેલાના બિઝનેસ કરતાં પાનનો ત્રણ ટકા બિઝનેસ થાય છે. એમાં પણ ખાસ કરીને ઠાકોરજીને ધરવા હવેલી બેઠકજી અને સ્વામિનારાયણ મંદિરે ભગવાનને આરોગવા પાનના બીડા  લઈ જતા લોકોની સંખ્યા માતબર છે.*  સાવરકુંડલાના મુખ્ય કહેવાય એવા *જેસર રોડ પર ખોડલ પાન, ક્રિષ્ના પાન ગોપીનાથ પાન, તકદીર પાન, કોહિનૂર પાન, મીરાં પાન, દાસારામ પાન, આદિત્ય પાન, ડીલક્સ પાન સેન્ટર, જય જગદીશ પાન વગેરે  જેવા લિમિટેડ પાન સેન્ટરમાં પાન વેચાય છે. પેલાના જમાનામાં જે પાનનો ક્રેઝ હતો તે હાલ ત્રણ ટકા જેવો થઈ ગયો છે.* પાનના રસિયાઓ હવે માવા અને ગુટકા પડીકી તરફ વળેલા જોવા મળે છે. આ સંદર્ભ સાવરકુંડલા ખાતે આવેલ જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ કોહિનૂર પાન સેન્ટરના *મુસ્તાકભાઈએ જણાવ્યું હતું કે કે હવે પાનનું ચલણ દિનપ્રતિદિન ઘટતું જાય છે. માવા મસાલા અને પડીકીનું ચલણ હવે વધતું જાય છે. ખાસકરીને યંગ જનરેશન હવે માવા મસાલા તરફ વધારે ઢળતી જોવા મળે છે.* જો કે પાન નાના બાળકોને અતિ શરદી ઉધરસ થઈ હોય તો તેને નાગરવેલના પાનનો શેક કરવામાં આવતાં શરદી કફમાં રાહત થાય છે. ધાર્મિક વિધિઓમાં પણ ઘણીવાર નાગરવેલના પાનની જરૂર પડે છે. 

​અંતે મોટો પ્રશ્ન એ જ રહે છે કે, દિન-પ્રતિદિન ઘટતું પાનનું ચલણ એ એક મહામંથનનો વિષય છે. પ્લાસ્ટિકના કાગળો અને તમાકુવાળા કેમિકલયુક્ત માવા-મસાલાના રવાડે ચડેલી આજની પેઢી આયુર્વેદિક ગુણોથી ભરપૂર અને આપણી પરંપરાના પ્રતીક સમાન નાગરવેલના પાનને ભૂલી રહી છે તે ચિંતાજનક છે. હજુ પણ સમય છે કે આપણે પવિત્રતા અને સ્વાદના સમન્વય સમા આ પાનના બીડાના ક્રેઝને જીવંત રાખીએ.

Related Posts