અમરેલી

કપાસના ઊભા પાકમાં ચૂસિયા જીવાતો અને ઇયળોના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેડૂતોએ તકેદારીના પગલા લેવા

કપાસના ખેતરમાં મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચ પાન ખાનાર ઈયળ અને પાંચ ગુલાબી ઈયળના કૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ મૂકવા જેથી આપણને ઉપદ્રવના શરૂઆતની આગોતરી જાણ થાય. જો ખેતરમાં લાઈટની વ્યવસ્થા હોય તો પ્રકાશ પિંજર ગોઠવી મોટા પાયે કૂંદીઓનો નાશ કરી શકાય. પાન ખાનાર ઈયળના ન્યુક્લિયર પોલિહેડ્રોસિસ વાયરસ ૨૫૦ ઈયળ એકમ જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી હેક્ટર વિસ્તારમાં છાંટવાથી આવી ઈયળોમાં રોગ લાગુ પડતા સારૂ નિયંત્રણ મળે છે. સફેદમાખી, તડતડિયાં, મોલો, થ્રીપ્સ, પાનકથીરીના ઉપદ્રવ વખતે તેમજ પાન ખાનાર ઇયળોનો ઉપદ્રવ થતાંની સાથે જ સીધી જ રાસાયણિક દવાઓનો ઉપયોગ ન કરતા કોઈ પણ લીમડા આધારિત દવાઓ ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના બેક્ટેરીયાનો પાવડર ૧૦-૧૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઓક્ટોબર માસના અંતથી લઈ કપાસની છેલ્લી વીણી સુધી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈયળની કૂદી માટેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. નવેમ્બરના પ્રથમ સપ્તાહની શરૂઆતથી હેક્ટરે ૧.૫ લાખ ટ્રાઈકોગામા ભમરી અઠવાડીયાના ગાળે ૪-૫ વખત અને ડિસેમ્બરના પ્રથમ અને બીજા અઠવાડીયામાં હેક્ટરે ૧૦ હજાર પ્રમાણે લીલી પોપટીની ઈયળો છોડવાથી જૈવિક નિયંત્રણનો લાભ લઈ શકાય. કપાસના ખેતરમાં મકાઈની છાંટ નાખવાથી જીવાતના જૈવિક નિયંત્રકોની સંવર્ધન પ્રક્રિયામાં વધારો થાય છે.

જીંડવા કોરી ખાનાર ઈયળો જ્યારે ક્ષમ્ય માત્રા વટાવે ત્યારે તેના નિયંત્રણ માટે ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ., ફેનવાલેરેટ ૨૦ ઇસી ૧૦ મિ.લિ., એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબ્લ્યુજી ૨ ગ્રામ, સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લિ., ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ., ફ્લુબેન્ડિયામાઇડ ૪૮૦ એસસી ૩ મિ.લિ. પૈકી ગમે તે એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો અને દરેક છંટકાવ વખતે દવા બદલવી. સફેદમાખી, તડતડિયા, મોલો, થ્રીપ્સના નિયંત્રણ માટે થાયાક્લોપ્રિડ ૪૮ એસસી ૫ મિ.લિ. અથવા ફ્લોનિકામાઈડ ૫૦ ડબ્લ્યુજી ૩ ગ્રામ, ડાયફેન્થ્યુરોન ૫૦ ડબ્લ્યુપી ૧૦ ગ્રામ, ફિપ્રોનિલ ૫ એસસી ૨૦ મિ.લિ., એસિફેટ ૫૦% + ઈમીડાક્લોપ્રીડ ૧.૮% (૫૧.૮ એસપી) ૧૦ મિ.લિ., એસિફેટ ૨૫% + ફેનવાલેરેટ ૩% (૨૮ ઇસી) ૧૦ મિ.લિ. પૈકી કોઈપણ એક કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ખેત ઓજારો જેવા કે હળ, લાકડા કરબ, ટ્રેક્ટર વગેરેને ચીક્ટો ઉપદ્રવિત ખેતરમાં ઉપયોગ કર્યા પછી ખેતરમાં ખેડ કરવા જતાં પહેલાં પાણીના ફુવારાથી બરાબર સાફ કરીને અથવા કીટનાશી દવાનો છંટકાવ કરી ઉપયોગ કરવો.

કપાસના પાકમાં મિલીબગ ઉપર એનાગિરસ બમ્બાવાલે નામના ભમરીઓ ૪૦ થી ૭૦ ટકા પરજીવીકરણ કરે છે. ક્રિપ્ટોલેમસ મોન્ટ્રુઝીરી અને બ્રુમસ સુચુરાલિસ નામના પરભક્ષી ઢાલિયા મિલીબગને ખાય છે. આવા કુદરતી નિયંત્રકોની હાજરી હોય ત્યારે ઝેરી કીટનાશી દવાનો છંટકાવ કરવાનું ટાળવું અને જરૂર જણાય તો લીમડા આધારિત દવાનો છંટકાવ કરવો. હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે વર્ટીસીલીયમ લેકાની અથવા બીવેરિયા બેસિયાના નામની રોગપ્રેરક ફૂગ ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવું. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કે નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related Posts