અમરેલી જિલ્લામાં સારા વરસાદના પગલે જળાશયો અને તળાવોમાં નવા નીરની આવક થતાં આજે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વાંકિયા તેમજ ભુખલી-સાથળી ખાતે નવા નીરના વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્ય સરકાર જળસંચય અને જળ સંરક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં ઉનાળા દરમિયાન અમરેલી-વડિયા-કુંકાવાવના ૧૧૫ ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરી, વરસાદી જળના સંગ્રહ તેમજ જળસંપત્તિના સંવર્ધન માટે અસરકારક આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેના પરિણામે આ વર્ષે સારા વરસાદથી જળાશયો અને તળાવો નવા નીરથી છલકાઈ રહ્યા છે, જે ખેડૂતો તેમજ ગ્રામ્ય વિસ્તારો માટે શુભ સંકેત છે.
ઉનાળાની ઋતુ દરમિયાન ૧૩૦ હીટાચી મશીન દ્વારા પ્રતિગામ ૬૦૦ કલાક તળાવો ઉંડા કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેટકો અને પીજીવીસીએલના આર્થિક અનુદાનની મદદથી આ કામગીરીને બળ મળ્યુ હતું. સૌરાષ્ટ્રમાં પાણી માટે કામકરતા એનજીઓ ગીરગંગા ફાઉન્ડેશન દ્વારા આ કામમાં ટેકનિકલ સહાયતા કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીશ્રી દ્વારા નવા નીરના વધામણા કરી જિલ્લામાં સુખાકારી, સમૃદ્ધિ અને સારા વરસાદ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતા સભ્યશ્રી આશિષભાઈ અકબરી, શ્રી, ડેનીભાઈ પરમાર, અગ્રણીશ્રી અતુલભાઈ કાનાણી, શ્રી મયૂરભાઈ માંજરીયા, શ્રી મધુભાઈ હરખાણી, શ્રી ચેતનભાઈ ધાનાણી, શ્રી યોગેશભાઈ લાખાણી, વિવિધ હોદ્દેદારો સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments