અમરેલી

અમરેલી રોજગાર વિનિમય કચેરી દ્વારા રાજુલાની કોલેજોમાં તા. ૨૩ જુલાઈએ ‘ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ સેમિનાર’ યોજાશે

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત કાર્યરત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી ઘડવા ઈચ્છતા યુવાનો માટે ખાસ જાગૃતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત આગામી તા. ૨૩ જુલાઈ ૨૦૨૬ના રોજ રાજુલા સ્થિત બે પ્રમુખ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે અલગ-અલગ સમયે ‘ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કચેરી માર્ગદર્શન સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ સેમિનાર સવારે ૧૧:૦૦ કલાકે એચ.બી. સંઘવી મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે અને બીજો સેમિનાર બપોરે ૦૨:૦૦ કલાકે જી.એમ.બી. પોલિટેકનીક કોલેજ, રાજુલા ખાતે યોજાશે.

આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉપલબ્ધ શિક્ષણ અને રોજગારીની તકો વિશે સાચું અને સત્તાવાર માર્ગદર્શન આપવાનો છે. કાર્યક્રમ દરમિયાન રોજગાર અધિકારીઓ અને વિષય નિષ્ણાતો દ્વારા વિદેશી યુનિવર્સિટીઓના વિવિધ અભ્યાસક્રમો, અભ્યાસ બાદ મળતી નોકરીની તકો, પાર્ટ-ટાઈમ જોબ તેમજ સરકાર સંચાલિત ઓવરસીઝ સેન્ટરની વિવિધ સેવાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત, વિદેશ જવા માટે અનિવાર્ય એવી ભાષાકીય પરીક્ષાઓ (જેવી કે IELTS, TOEFL), સ્કોલરશિપ અને વિઝા પ્રક્રિયાના સત્તાવાર માર્ગો વિશે પણ વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવશે. રાજુલા અને આસપાસના વિસ્તારના મહત્તમ વિદ્યાર્થીઓ આ નિઃશુલ્ક સેમિનારનો લાભ લે તે માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts