ભાવનગર

પ્રાદેશિક કમિશનર સુનિલે મહુવા નગરપાલિકાના ચોમાસાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી

ચોમાસાની ઋતુ દરમિયાન થયેલા વરસાદના અનુસંધાને મહુવા નગરપાલિકા વિસ્તારમાં સર્જાયેલી
પરિસ્થિતિની સમીક્ષા કરવા પ્રાદેશિક કમિશનરશ્રી સુનિલે સ્થળ મુલાકાત કરી હતી.
પ્રાદેશિક કમિશનરશ્રીએ નગરપાલિકાના નિચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ વરસાદી પાણીના નિકાલની
વ્યવસ્થા, નાગરિકોને પડતી મુશ્કેલીઓ તેમજ ચોમાસાની સ્થિતિ અંગે સ્થળ પર માહિતી મેળવી હતી. આ ઉપરાંત,
શહેરમાં ચાલી રહેલા માર્ગ વિકાસના કામો, સ્વચ્છતા કામગીરી અને ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનની કામગીરીનું પણ
નિરીક્ષણ કર્યું હતું. મુલાકાતના દિવસે મહુવા વિસ્તારમાં અંદાજે ૩૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. હાલની સ્થિતિ
સામાન્ય હોવાથી સ્થળાંતર કે બચાવ કામગીરીની કોઈ આવશ્યકતા ઊભી થઈ નથી.
પ્રાદેશિક કમિશનરશ્રીએ ચોમાસાની ઋતુમાં જંતુજન્ય અને પાણીજન્ય રોગચાળાના નિવારણ માટે દવાઓનો
નિયમિત છંટકાવ, ફોગિંગ તથા સ્વચ્છતા કામગીરી અસરકારક રીતે હાથ ધરવા સૂચના આપી હતી. તેમણે મહુવા
નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પરાક્રમસિંહ મકવાણાને જન આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી જરૂરી તમામ
તકેદારી રાખવા નિર્દેશ આપ્યો હતો.
આ ઉપરાંત સંબંધિત અધિકારીઓને વરસાદી પાણીના ઝડપી નિકાલની સુનિશ્ચિતતા, સમયસર કચરા ઉપાડ,
શહેરમાં સ્વચ્છતા જાળવવા, નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સતત મોનીટરિંગ રાખી જરૂરી
કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા તેમજ ચોમાસા દરમિયાન કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત રાખવા સૂચના આપવામાં
આવી હતી.
આ સ્થળ મુલાકાત દરમિયાન મહુવા નગરપાલિકાના પદાધિકારીઓ, ચીફ ઓફિસર શ્રી પરાક્રમસિંહ મકવાણા
તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts