અમરેલી

મોટા ઝીંઝુડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગામની નર્સરીની શૈક્ષણિક મુલાકાત લઈ પ્રકૃતિનું મહત્વ જાણ્યું.

શિક્ષણ માત્ર વર્ગખંડની ચાર દીવાલો પૂરતું સીમિત નથી. પ્રકૃતિ, પર્યાવરણ અને સમાજમાંથી પણ જીવન ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, વૃક્ષપ્રેમ અને પ્રકૃતિ પ્રત્યે સંવેદના કેળવવાના હેતુથી મોટા ઝીંઝુડા પ્રાથમિક શાળા દ્વારા  ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ગામની નર્સરીની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્સરી ખાતે વિદ્યાર્થીઓએ હરિયાળું અને પ્રકૃતિમય વાતાવરણ, સ્વચ્છ હવા, વિવિધ પ્રકારના વૃક્ષો, છોડ તથા ફૂલોનું નિરીક્ષણ કરી આનંદ અનુભવ્યો. સૌપ્રથમ વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ રીતે બેસાડવામાં આવ્યા બાદ શાળાના શિક્ષક શ્રી વિભાકરભાઈએ નર્સરીનું મહત્વ, તેના હેતુ તેમજ વિવિધ છોડ અને વૃક્ષોના માનવજીવનમાં રહેલા ઉપયોગ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ શિક્ષિકા શ્રીમતી પૂજાબેને વન્યજીવો, જંગલોનું મહત્વ અને વિવિધ પ્રાણીઓ વિશે રસપ્રદ માહિતી આપી.

આ પ્રસંગે નર્સરીના આર.એફ.ઓ. શ્રી એમ.એ. મકવાણા સાહેબે વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવાનું મહત્વ સમજાવ્યું. વનપાલ શ્રી આર.એમ. ખુમાણ સાહેબે નર્સરીની કામગીરી અને પર્યાવરણ સંરક્ષણ અંગે ટૂંકી પરંતુ પ્રેરણાદાયી માહિતી આપી. ફોરેસ્ટ ગાર્ડ કુ. આર.ટી. લાધવાએ દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં સફળતાપૂર્વક આગળ વધી રહી છે અને આત્મવિશ્વાસ સાથે પોતાની જવાબદારીઓ નિભાવી શકે છે તે અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો.

ત્યારબાદ શ્રી એસ.એમ. ડેગાળા સાહેબે વિદ્યાર્થીઓને નર્સરીમાં આવેલા વિવિધ વૃક્ષો, ફળઝાડ, ઔષધીય છોડ અને તેમની ઉપયોગિતાની સ્થળ પર જ વિગતવાર માહિતી આપી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછીને જિજ્ઞાસા વ્યક્ત કરી અને પ્રકૃતિ વિશે નવી જાણકારી મેળવી. આવી શૈક્ષણિક મુલાકાતોથી પુસ્તકીય જ્ઞાન સાથે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થતું હોવાથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેનો લગાવ વધુ મજબૂત બને છે.

કાર્યક્રમના અંતે સૌએ સંયુક્ત સ્મૃતિચિત્ર પડાવ્યું. નર્સરી પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીને વૃક્ષારોપણનો સંદેશ આપતા યાદગીરીરૂપે એક-એક છોડનું વિતરણ કરવામાં આવ્યું તેમજ મીઠું મોઢું કરાવી સૌને શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકશ્રી ઉમેશભાઈ, જયદીપભાઈ, કાશ્મીરાબેન, ધર્મિષ્ઠાબેન સહિત સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Related Posts