અમરેલી જિલ્લામાં ચાલુ ચોમાસાની સીઝનમાં થયેલા સાર્વત્રિક અને સારા વરસાદના પગલે સ્થાનિક જળાશયો તેમજ ગ્રામીણ તળાવોમાં વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે. આ શુભ અવસરે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલીના દેવભૂમિ દેવળિયા, ચક્કરગઢ, મોટા ભંડારિયા, બાબાપુર, મેડી અને ચાડિયા મુકામે ઉમંગભેર નવા નીરના વધામણા કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળસંચય અભિયાનને પ્રકૃતિનો ભરપૂર સાથ મળતા સમગ્ર પંથકના ગ્રામજનો અને ખેડૂતોમાં આનંદની લાગણી છે. અમરેલી, વડિયા અને કુંકાવાવના ૧૧૫ જેટલા ગામોમાં જનભાગીદારીથી તળાવો ઊંડા ઉતારવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. સરકારની આ જળસંચયની નેમ આજે સાકાર થતી જોવા મળી રહી છે.
રાજ્યમંત્રીશ્રીએ અમરેલીના દેવભૂમિ દેવળિયા મુકામે જણાવ્યું કે, અહીંનું ઐતિહાસિક સ્થાપત્ય ‘અમૃતવર્ષી’ વાવ અને શિવ ધામ પ્રવાસનનું નવું કેન્દ્ર બનશે. કુલ રૂ. ૨.૫૭ કરોડની ગ્રાન્ટથી વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રીશ્રીએ પૌરાણિક વાવ અને શિવ મંદિરના સ્થાપત્યને નિહાળીને શિવજીના ચરણોમાં શીશ ઝુકાવીને પૂજા અર્ચન કર્યું હતું.
દેવળિયા સ્થિત આ બેનમૂન સ્થાપત્ય ૬૭૦ વર્ષ જૂનું છે અને ઐતિહાસિક વિરાસતનું પ્રતિક મનાય છે. પુરાતત્વ વિભાગના સર્વેક્ષણ અનુસાર, આ વાવ વિશિષ્ટ ‘અમૃતવર્ષી’ પ્રકારની વાવ છે, જે તેના કલાત્મક ડિઝાઇન અને પથ્થરના દરવાજાને લીધે અદ્ભુત દેખાય છે. આ પૌરાણિક શિવ મંદિરના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસનલક્ષી વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે અને પ્રવાસનને વેગ મળશે.
રાજ્યમંત્રીશ્રીએ મોટા ભંડારિયા મુકામે દાતાશ્રીઓના સહયોગથી નિર્મિત ભવ્ય પ્રવેશદ્વારનું પણ લોકાર્પણ કર્યું હતું. આ તકે સતાધાર-આપાગીગા ધામના મહંત શ્રી વિજયબાપુ અને સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ સમૃદ્ધિ અને જળસંગ્રહ-જળ એ જ સમૃદ્ધ ખેતીનો મુખ્ય આધાર છે. જળસંચય થકી આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળ સ્તર (વોટર ટેબલ) નોંધપાત્ર રીતે ઊંચા આવશે. કુવા અને બોરવેલમાં પાણીના તળ સુધરવાથી ખેડૂતોને રવિ પાક અને ઉનાળુ ખેતી માટે સિંચાઈની ઉત્તમ સુવિધા મળી રહેશે. આમ, આયોજનબદ્ધ જળસંગ્રહ એ માત્ર પાણી બચાવવાનું અભિયાન નથી, પરંતુ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી ખેડૂતો માટે ટકાઉ ‘કૃષિ સમૃદ્ધિ’ના નવા દ્વાર ખોલનારો સુવર્ણ અવસર સાબિત થશે.
રાજ્યમંત્રીશ્રીએ નવા નીરના વધામણા કરીને જિલ્લાની ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલ શુભકામનાઓ વ્યક્ત કરી હતી. અમરેલી તાલુકાના વિવિધ ગામડાઓમાં નવા નીર વધામણા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હોદ્દેદારો, ગ્રામ પંચાયત સરપંચશ્રી અને સભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.


















Recent Comments