દેશને ક્ષય (ટીબી) મુક્ત કરવાના સંકલ્પ સાથે અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન (PMTBMBA) અંતર્ગત આગામી તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ વિશેષ નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. હાલમાં અમરેલી જિલ્લામાં કુલ ૭૩૦ ટીબીના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી ૬૬૫ દર્દીઓએ નિક્ષય પોષણ યોજના માટે પોતાની સંમતિ આપી છે. આ અભિયાન અંતર્ગત અગાઉ ૨૯૧ દર્દીઓને કીટ વિતરણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે આગામી ૧૪મી ઓગસ્ટના રોજ યોજાનાર આ વિશેષ કાર્યક્રમમાં વધુ ૨૨૭ જરૂરિયાતમંદ ટીબી દર્દીઓને પોષણયુક્ત આહારની કીટોનું વિતરણ કરવામાં આવશે.
આ સેવાકીય કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓ જેવા કે અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, કુકાવાવ, ખાંભા, લાઠી, લીલીયા, રાજુલા અને સાવરકુંડલાના સ્થાનિક તાલુકા હેલ્થ ઓફિસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) ખાતે વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સ્વયંસેવકો જોડાશે. આ ઉમદા કાર્યમાં ડૉ. હિમન પરીખ, અંબુજા ફાઉન્ડેશન, અલ્ટ્રાટેક સિમેન્ટ – નર્મદા સિમેન્ટ (જાફરાબાદ), ડૉ. એમ. એ. સિદ્ધપુરા તેમજ લાયન્સ ક્લબ (સાવરકુંડલા) જેવી સેવાભાવી સંસ્થાઓ અને મહાનુભાવો ‘નિક્ષય મિત્ર’ તરીકે ઉપસ્થિત રહીને દર્દીઓને કીટોનું વિતરણ કરશે, જેથી દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે અને જિલ્લાને ટીબી મુક્ત બનાવી શકાય તેમ જિલ્લા ક્ષય અધિકારીશ્રી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
















Recent Comments