કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા તમામ ખેડૂત લાભાર્થીઓ માટે આગામી હપ્તાની ચુકવણી પૂર્વે દર વર્ષે બાયોમેટ્રિક e-KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત યોગ્ય લાભાર્થીઓને સમયસર સહાય મળી રહે તે હેતુથી, હવેથી લાભાર્થીઓએ દરેક નાણાકીય વર્ષના પ્રથમ હપ્તાના રીલીઝ પહેલાં નિયત e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, તેમ કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ પછી જે લાભાર્થીઓએ e-KYC કરાવેલ નથી, પરંતુ પોર્ટલ પરના સ્ટેટસમાં “eKYC : Yes” દર્શાવે છે, તેવા તમામ લાભાર્થીઓએ પણ યોજના હેઠળ અવિરત સહાય મેળવવા માટે નવેસરથી e-KYC કરાવી લેવાનું રહેશે.
લાભાર્થી ખેડૂતોની સુવિધા માટે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવા ચાર સરળ વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ વિકલ્પ તરીકે, ખેડૂતો જાતે જ PM-Kisan મોબાઇલ એપ્લિકેશનમાં “Login” માં જઈ “Beneficiary” વિકલ્પ પસંદ કરી શકે છે, જ્યાં આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા લોગ-ઇન થઈ પોતાનું તેમજ “e-KYC for other beneficiaries” વિકલ્પ દ્વારા અન્ય ૧૦૦ લાભાર્થીઓનું e-KYC કરી શકે છે.
બીજા વિકલ્પમાં, ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને ફેસ ઓથેન્ટિકેશન પદ્ધતિથી આ કામગીરી કરાવી શકાય છે. આ ઉપરાંત, ત્રીજા વિકલ્પ તરીકે ગામના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે જઈને તેમજ ચોથા વિકલ્પ હેઠળ તાલુકા અથવા જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરીને પણ બાયોમેટ્રિક e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.
જે ખેડૂત લાભાર્થીઓ અન્ય ગામ કે શહેરમાં સ્થળાંતરિત થયા હોય, તેઓ હાલ જે સ્થળે વસવાટ કરતા હોય ત્યાંથી ઉપરોક્ત ચારમાંથી કોઈપણ અનુકૂળ પદ્ધતિ અપનાવીને પોતાનું e-KYC સત્વરે કરાવી લે તેવી સત્તાવાર અપીલ કરવામાં આવે છે, જેથી આગામી નાણાકીય સહાય મેળવવામાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન સર્જાય.


















Recent Comments