ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આદિજાતિ કલ્યાણ ક્ષેત્રે સંવેદનશીલ પગલું

ગુજરાત સરકારે રાજ્યના આદિવાસી (અનુસૂચિત જનજાતિ) સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે એક અત્યંત સંવેદનશીલ અને કલ્યાણકારી નિર્ણય કર્યો છે. નાણાકીય મોરચે નબળી સ્થિતિ ધરાવતા આદિવાસી પરિવારોના દર્દીઓ મોંઘી અને આધુનિક તબીબી સારવારથી વંચિત ન રહી જાય; તે માટે રાજ્ય સરકારે વર્ષ 2026-27થી એક નવી યોજના જાહેર કરી છે અને તેના માટે રૂ. 2 કરોડની જોગવાઈ કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારના આ નિર્ણયથી હજારો એવા આદિજાતિ પરિવારનો આરોગ્ય સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા રાજ્ય મંત્રી શ્રી પી. સી. બરંડાના નેતૃત્વ હેઠળ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ આ નવી યોજનાને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે.

આ યોજના શું છે ?

આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ મુજબ રાજ્ય સરકારે આદિજાતિ પરિવારો માટે સંજીવની સમાન આ યોજનાનું નામ ‘રાજ્યના અનુસૂચિત જનજાતિ સમુદાયના દર્દીઓને કીડની, લીવર, હૃદય અને પેનક્રિયાઝ વગેરેનાં અંગ પ્રત્યારોપણ (ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ) કરવા માટે તેમજ તે માટે રોબોટીક શસ્ત્રક્રિયા સહિતના ઑપરેશનો માટે સહાય આપવા માટેની યોજના’ છે. આ યોજનામાં દર્શાવાયેલા જટિલ અંગોના પ્રત્યારોપણ (ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ) તેમજ ગંભીર રોગોમાં અત્યાધુનિક રોબોટીક શસ્ત્રક્રિયા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ નવી યોજના માટે સરકારે પ્રથમ વર્ષે ₹2.00 કરોડનું બજેટ મંજૂર કર્યું છે.

અમદાવાદની કિડની ઇન્સ્ટીટ્યૂટ સંભાળશે મુખ્ય જવાબદારી

રાજ્ય સરકારની આ યોજનાના સફળ અમલીકરણ માટે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં આવેલી અગ્રણી સરકારી સંસ્થા ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC)ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

આ રીતે મળશે ‘સંજીવની સોગાત’

આ યોજનાનો મુખ્ય નિયમ એ છે કે દર્દીને આયુષ્માન ભારત (PMJAY) કે મા-કાર્ડ હેઠળ મળતી સહાયને બાદ કર્યા પછી જે વધારાનો ખર્ચ બચે, તે આ યોજનામાંથી ચૂકવવામાં આવશે. ઠરાવમાં સહાય અંગે બે ઉદાહરણો આપ્યા છે કે જે નીચે મુજબ છે :

• ઉદાહરણ 1 – સરકારી હૉસ્પિટલ (IKDRC)માં સારવાર માટે : જો અંગ પ્રત્યારોપણ માટે IKDRCમાં કુલ ખર્ચ ₹6.00 લાખ થાય અને PMJAY હેઠળ ₹3.00 લાખ મળવાપાત્ર હોય, તો આ ₹3.00 લાખ બાદ કરતાં બાકી રહેતા ₹3.00 લાખની સહાય આ યોજના હેઠળ મળવા પાત્ર રહેશે.

• ઉદાહરણ – 2. ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે : જો ખાનગી હૉસ્પિટલમાં ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ₹10.00 લાખ થાય, પરંતુ સરકારી હૉસ્પિટલ (IKDRC)માં તે જ પ્રક્રિયાનો દર ₹6.00 લાખ નક્કી હોય, તો તેવા કિસ્સામાં PMJAY ના ₹3.00 લાખ બાદ કરીને મહત્તમ સરકારી દરની મર્યાદા મુજબ ₹3.00 લાખની સહાય જ મળવાપાત્ર થશે.

લાભ મેળવવા માટેની પાત્રતા, શરતો અને પ્રક્રિયા

• જાતિનું પ્રમાણપત્ર : લાભાર્થી ગુજરાતના અનુસૂચિત જનજાતિના હોવા જોઈએ અને સત્તાવાર જાતિનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
• કાર્ડની પાત્રતા : દર્દી ભારત સરકારની આયુષ્માન યોજના હેઠળ PMJAY અથવા મા-કાર્ડ ધરાવતા હોવા જોઈએ.
• જરૂરી પ્રક્રિયા : દર્દીએ યોજનાનો લાભ લેવા માટે IKDRCનો ફરજિયાત સંપર્ક કરવો પડશે. સારવાર ખાનગી હૉસ્પિટલમાં કરાવવાની હોય, તો પણ IKDRCની મંજૂરી વગર લાભ નહીં મળે.
• મેડિકલ મંજૂરી : IKDRC ની ટ્રાન્સપ્લાન્ટ સમિતિ પાસેથી ક્લીનીકલ એપ્રુવલ મેળવવી અનિવાર્ય રહેશે.
• માત્ર રેસિપિએન્ટ માટે : અંગદાતા (Donor) ભલે ગમે તે જ્ઞાતિના હોય, પરંતુ આ સહાય માત્ર આદિવાસી ઑર્ગન રેસિપિએન્ટ (અંગ મેળવનાર દર્દી) ને જ મળવાપાત્ર થશે.
• બાળકો માટે અપવાદ: શાળાના બાળકોને ‘સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ’ હેઠળ સંપૂર્ણ મફત સારવાર મળતી હોવાથી તેઓને આ યોજનામાં અલગથી આવરી લેવાના થતા નથી.

વહીવટી પારદર્શિતા પર ખાસ ભાર

ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિ અટકાવવા માટે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવશે. આ નાણાકીય સહાય માટે સરકાર દ્વારા નિયત સમય અંતરે DBT પદ્ધતિ (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) અથવા સીએમ ડેશબોર્ડ પોર્ટલ અપનાવવાનું રહેશે. વધુમાં, યોજનાના યોગ્ય મોનિટરિંગ માટે સમયાંતરે Social Audit અને Third Party Verification (ત્રીજી પાર્ટી દ્વારા ચકાસણી) કરાવીને તેનો અહેવાલ સરકારશ્રીને રજૂ કરવાનો રહેશે

Related Posts