હોલીવુડના દિગ્ગજ દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલનની આગામી ફિલ્મ ‘The Odyssey’ને કારણે આજે અઢી થી ત્રણ હજાર વર્ષ પહેલાં કવિ હોમર દ્વારા રચાયેલું ગ્રીક મહાકાવ્ય ‘ઓડિસી’ ફરી એકવાર વિશ્વભરમાં ચર્ચાના કેન્દ્રમાં છે. રામાયણ અને મહાભારતની જેમ ‘ઓડિસી’ પણ માત્ર સાહસકથા નથી, પરંતુ માનવ મન, સંઘર્ષ અને આત્મશોધનું એક શાશ્વત રૂપક છે. ટ્રોજન યુદ્ધ જીત્યા બાદ દસ વર્ષ સુધી વાવાઝોડાં, રાક્ષસો અને પ્રલોભનો સામે લડીને પોતાના વતન ‘ઇથાકા’ પાછા ફરતા રાજા ઓડિસીયસની આ કથાનો સાચો સંદેશ બહારના શત્રુઓને હરાવવાનો નથી, પણ મનના મોહ, અહંકાર અને અનિયંત્રિત ઇચ્છાઓ સામે વિજય મેળવવાનો છે.
મહાકાવ્યમાં એક ભવિષ્યવક્તા ઓડિસીયસને સલાહ આપે છે કે, એક દિવસ પોતાના ‘હલેસા’ને ખભે ઊંચકી દરિયાથી એટલે દૂર જવું જ્યાં લોકો તેને ઓળખતા ન હોય અને ત્યાં એ હલેસું જમીનમાં ખોડી દેવું. આ ‘હલેસું’ માત્ર લાકડાનો ટુકડો નથી, પરંતુ માણસનો ભૂતકાળ, ગૌરવ, અહંકાર અને તેની જૂની ઓળખનું પ્રતીક છે. ગુજરાતીના સમર્થ કવિ સિતાંશુ યશશ્ચન્દ્ર પણ તેમના પ્રસિદ્ધ કાવ્ય ‘ઓડિસીયસનું હલેસું’માં આ જ મર્મ પ્રગટ કરે છે. આજનો આધુનિક માણસ પણ ખભા પર જૂના અપમાનો, તૂટેલા સંબંધો, સફળતા કે નિષ્ફળતાનો અદૃશ્ય ભાર લઈને જીવે છે. ભૌતિકવાદી યુગમાં સતત મેળવવાની દોડ અંદરથી માણસને ભારે કરી દે છે.
ઉપનિષદનો ‘તેન ત્યક્તેન ભુંજીથાઃ’ (ત્યાગીને ભોગવી જાણો) નો સંદેશ કે ગીતાનું અનાસક્ત કર્મ—બંને આ જ ભારમુક્તિ તરફ અંગુલિ નિર્દેશ કરે છે. જેમ નદી પાર કરાવનાર હોડી કે હલેસાને આખી જિંદગી ખભે ઊંચકીને નથી ફરી શકાતું, તેમ જીવનના એક તબક્કે જૂની ઓળખ અને અહંકારને છોડવો જ પડે છે. જીવનની સાચી સફળતા વધુ ને વધુ એકઠું કરવામાં નથી, પરંતુ ક્યારે અને શું છોડી દેવું તે સમજવામાં છે.
આ જ અનાસક્તિ અને સીમાઓના વિવેકનું ઉત્તમ ઉદાહરણ *સ્વામિનારાયણ ગુરુકુળના પ્રખર વિદ્વાન સંત અને આર્ષ દ્રષ્ટા અ.નિ. પ.પૂ. શાસ્ત્રી જ્ઞાનસ્વામીના જીવન દર્શનમાં જોવા મળે છે.* જ્યારે પણ કોઈ તેમને હિલ સ્ટેશન પર ગુરુકુળની નવી શાખા ખોલવાનો આગ્રહ કરતું, ત્યારે તેઓ સહજતાથી કહેતા: *”પાંધીભાઈ, આપણે આપણી પાંખો ત્યાં સુધી જ ફેલાવવી જ્યાં સુધી સ્વયં પહોંચી શકાય.” આ માર્મિક ઉત્તરમાં મહત્વાકાંક્ષા પર વિવેકના અંકુશનું ઊંડું સત્ય છુપાયેલું છે.* તેઓ પણ પોતાના ઉપદેશોમાં ‘ઈશાવાસ્યમ્’ના ત્યાગપૂર્વકના ભોગના સૂત્ર પર ભાર મૂકતા.
હરિનો માર્ગ તલવારની ધાર જેવો છે અને સાગરની ઊંડાઈ પામવા મરજીવો બનવું પડે છે. જ્યારે માણસ પોતાના અહંકારના હલેસાને જમીનમાં ખોડી દે છે અને ત્યાગ તથા વિવેકનો માર્ગ અપનાવે છે, ત્યારે જ તે સાચા અર્થમાં પોતાના ‘સ્વ’ સુધી પહોંચીને જીવનનો સાચો આનંદ પામે છે. આજનો પ્રવર્તમાન સંત સમુદાય પણ એ જ ઉદાત્ત વિચારોને આગળ ધપાવવા સતત પ્રયત્નશીલ છે.


















Recent Comments