અમરેલી

શ્રી એચ. એન. વિરાણી હાઈસ્કૂલ, બાઢડા ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી: વિદ્યાર્થીઓએ રેલી કાઢી સિંહ સંરક્ષણના લીધા શપથ

આજ રોજ તારીખ ૧૦ ઓગસ્ટના રોજ શ્રી એચ. એન. વિરાણી હાઈસ્કૂલ, બાઢડા ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ ની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ સિંહ રક્ષણ અને જાગૃતિ માટેના સૂત્રોચ્ચાર સાથે ગામના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢીને ગ્રામજનોમાં સિંહ બચાવ અંગે જનજાગૃતિ ફેલાવી હતી.

​રેલી બાદ શાળાના પ્રાર્થના હોલમાં એકઠા થઈને તમામ વિદ્યાર્થીઓએ સિંહોના સંરક્ષણ માટે દ્રઢ શપથ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યશ્રી ડો. મધુરભાઈ બગડાએ સિંહોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, “સિંહ ગરવા ગીરની ગરવી અમીરાત છે અને તેનું સરક્ષણ કરવું એ દરેક નાગરિકની ફરજ છે. આપણે ગીર પંથકના હોવાથી આપણી વિશેષ ફરજ બને છે કે દેશની આ ધરોહરનું જતન કરીએ અને તેને નુકસાન પહોંચાડતી કોઈ પણ પ્રવૃત્તિ ધ્યાને આવે તો તેની જરૂરી રજૂઆત કે ફરિયાદ કરીએ.”

​સમગ્ર કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીતના ગાન સાથે દેશપ્રેમ અને વન્યજીવ પ્રેમની ભાવના સાથે કરવામાં આવ્યું હતું.

Related Posts