અમરેલી

૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી: અમરેલીમાં ગુજરાત પોલીસ દ્વારા ભવ્ય ‘શસ્ત્ર પ્રદર્શન’નું આયોજન

૮૦ માં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા તા. ૧૩ ઓગસ્ટથી ૧૬ ઓગસ્ટ,૨૦૨૬ સુધી જાહેર જનતા માટે એક વિશેષ ‘શસ્ત્ર પ્રદર્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી સ્થિત સમર્થ વ્યાયામ મંદિર (અખાડાનું ગ્રાઉન્ડ) ખાતે યોજાનારા આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સુરક્ષા દળોની આધુનિક કાર્યપ્રણાલી અને હથિયારોથી પરિચિત કરાવવાનો છે. આ પ્રદર્શન સવારે ૦૯:૦૦ વાગ્યાથી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.

આ રાજ્ય કક્ષાના શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન તા. ૧૩ ઓગસ્ટ ગુરૂવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે કાયદો અને ન્યાય, ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી આર. વી. અસારી ખાસ વિશેષ ઉપસ્થિત રહેશે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા ઉદ્ઘાટન સમારોહને લઈને તમામ સત્તાવાર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

આ પ્રદર્શનમાં ગુજરાત પોલીસના વિવિધ વિશેષ વિંગ્સના લાઈવ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બનશે. જેમાં દેશની સુરક્ષામાં તૈનાત ચેતક કમાન્ડોની કામગીરી, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની આપત્તિ વ્યવસ્થાપન કામગીરી તેમજ મરીન ટાસ્ક ફોર્સની તટીય સુરક્ષા કામગીરીના લાઈવ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. આ વિભાગો દ્વારા તેમની આધુનિક બચાવ કામગીરી અને સુરક્ષા વ્યૂહરચનાઓનું જીવંત નિદર્શન પણ કરવામાં આવશે.

આ ઉપરાંત, અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લોક-સુરક્ષા અને આધુનિક સર્વેલન્સ માટે ચાલતા વિવિધ પ્રકલ્પો પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં ગુમ થયેલા બાળકોને શોધતો “MISSION SMILE” પ્રોજેક્ટ, નેત્રમ (બોડી વોર્ન કેમેરા), અત્યાધુનિક ડ્રોન ટેક્નોલોજી, ઈગલ આઈ પ્રોજેક્ટ, “અમરેલી સુરક્ષા કવચ” એપ્લિકેશન તથા મુશ્કેલીના સમયે મદદરૂપ થતી ડાયલ -181 અને 112 હેલ્પલાઇનની કામગીરીની વિસ્તૃત માહિતી આપતા સ્ટોલ પણ સમાવિષ્ટ છે. સુરક્ષા, શિસ્ત અને શૌર્યની ઝાંખી કરાવતા આ વિશેષ પ્રદર્શનને નિહાળવા માટે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Posts