ગુજરાત

CIDSCON 2026 ગાંધીનગરમાં ચેપી રોગોનાં અગ્રણી નિષ્ણાતોને એક મંચ પર લાવશે, આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા 22 ઓગષ્ટનાં રોજ કોન્ફરન્સનું ઉદ્ઘઘાટન કરશે

ક્લિનિકલ ઇન્ફેક્શિયસ ડિસીઝિસ સોસાયટી (Clinical Infectious Diseases Society)ની 16મી વાર્ષિક પરિષદ CIDSCON 2026નું આયોજન 20થી 23 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે કરવામાં આવશે. આરોગ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરિયા કોન્ફરન્સનું ઉદ્ઘઘાટન કરશે. આ પ્રસંગે આરોગ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અને એન્ટિમાઇક્રોબિયલ સ્ટુઅર્ડશીપ પર નિષ્ણાંતો દ્વારા લખાયેલા પુસ્તકનું વિમોચન પણ કરશે.

આ પરિષદમાં ભારત તથા વિદેશમાંથી ચેપી રોગોના અગ્રણી નિષ્ણાતો, તબીબો, સંશોધકો, માઇક્રોબાયોલોજિસ્ટો અને આરોગ્ય ક્ષેત્રના વ્યવસાયિકો એકત્રિત થશે.
ચાર દિવસીય આ પરિષદ વૈજ્ઞાનિક જ્ઞાનના આદાન-પ્રદાન, ઉભરતા પડકારો પર ચર્ચા તથા ચેપી રોગોના નિદાન, નિવારણ અને સારવાર ક્ષેત્રે થયેલી પ્રગતિની વહેંચણી માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે. પરિષદમાં ભારત સાથે સંબંધિત વિશિષ્ટ મુદ્દાઓ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કાર્યક્રમમાં દેશના જાણીતા નિષ્ણાતો ઉપરાંત અમેરિકા અને સિંગાપોર સહિતના દેશોના આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી પણ ભાગ લેશે.

પરિષદની શરૂઆત 20 ઓગસ્ટે ચેપી રોગોની તબીબી પ્રેક્ટિસના વિવિધ પાસાઓને આવરી લેતા વિશેષ વર્કશોપની શ્રેણી સાથે થશે. આ વર્કશોપમાં નિષ્ણાતોના સત્રો, કેસ આધારિત ચર્ચાઓ અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે.

પરિષદના મુખ્ય ઉભરતા વિષયોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો પણ સમાવેશ થાય છે. AIને સમર્પિત વર્કશોપમાં હાલના AI પરિદૃશ્ય, લાર્જ લેંગ્વેજ મોડલ્સથી આગળ તેના વિવિધ ઉપયોગો, ચેપી રોગોની તબીબી પ્રેક્ટિસમાં તેના વ્યવહારુ ઉપયોગ અને માનવીય તબીબી નિર્ણય લેવાની પ્રક્રિયાની સરખામણીમાં AIની સંભવિત ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે. ભાગ લેનારાઓ પ્રાયોગિક પ્રોજેક્ટો અને સમસ્યા ઉકેલવાની કવાયતોમાં પણ ભાગ લેશે.

મુખ્ય પરિષદના કાર્યક્રમમાં ચેપી રોગોને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લેવામાં આવશે. તેમાં એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR), ઉષ્ણકટિબંધીય ચેપ, ક્ષયરોગ, HIV, ફૂગજન્ય ચેપ, વાઇરોલોજી, ચેપ નિયંત્રણ, એન્ટિમાઇક્રોબિયલ સ્ટ્યુઅર્ડશિપ અને રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા દર્દીઓમાં થતા ચેપ જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ, ફેજ થેરાપી અને AI આધારિત ક્લિનિકલ પ્રેક્ટિસ જેવી ઉભરતી ટેક્નોલોજી પર પણ સત્રો યોજાશે.

22 ઓગસ્ટે યોજાનાર વિશેષ સત્રમાં ગુજરાતમાં એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સને નિયંત્રિત કરવા માટેની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સત્રમાં રાજ્યની પહેલો, ગુજરાત સ્ટેટ AMR સર્વેલન્સ નેટવર્ક (GUJSAR-N), એન્ટિમાઇક્રોબિયલ સ્ટ્યુઅર્ડશિપ કાર્યક્રમના મોનિટરિંગ તથા AMR ડેશબોર્ડ દ્વારા લેબોરેટરી ડેટા આધારિત રોગ સર્વેલન્સ અંગે ચર્ચા કરવામાં આવશે.

વૈજ્ઞાનિકો કાર્યક્રમમાં પડકારજનક કેસ અંગેની ચર્ચાઓ, નિષ્ણાતો સાથે સંવાદ, એવોર્ડ પ્રેઝન્ટેશન, પોસ્ટર રાઉન્ડ તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને ફેલોઝ માટેના વિશેષ સત્રો પણ યોજાશે. 23 ઓગસ્ટે વેલેડિક્ટરી સેશન સાથે પરિષદનું સમાપન થશે, ત્યારબાદ લંચનું આયોજન કરવામાં આવશે.

આયોજક સમિતિના અધ્યક્ષ ડૉ. અતુલ કે. પટેલ, સહ-આયોજક અધ્યક્ષ ડૉ. હર્ષ તોશનીવાલ અને આયોજક સચિવ ડૉ. સુરભી મદનના નેતૃત્વ હેઠળ યોજાનારી CIDSCON 2026 ચેપી રોગોની સારવાર ક્ષેત્રે વ્યાવસાયિક સહયોગ અને પ્રગતિ માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે તેવી અપેક્ષા છે.

આ કાર્યક્રમમાં CIDSનાંપ્રમુખ સુબ્રમનિયન સ્વામીનાથન, સચિવ ડો. નેહા ગુપ્તા, ખજાનચી ડો. કવિથા સરાવુ, ઓર્ગેનાઇઝીંગ ચેરમેન ડો. અતુલ પટેલ, ઓર્ગેનાઇઝીંગ કો.ચેરમેન ડો. હર્ષ તોશનીવાલ, ઓર્ગેનાઇજીંગ સેક્રેટરી ડો. સુરભી મદન, કો-ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરીઓ ડો. વિપુલ શાહ, ડો. મનોજ સેવકાની અને ડો. સ્વાતી ગોહેલ ઉપસ્થિત રહેશે.

Related Posts