રક્ષાબંધન એટલે માત્ર ભાઈ-બહેનના પવિત્ર સંબંધની ઉજવણી નહીં, પરંતુ સ્નેહ, સંવેદના, કરુણા, સમર્પણ અને માનવતાના પવિત્ર બંધનને વધુ મજબૂત કરવાનો પાવન અવસર. આ ભાવનાને સાકાર કરતાં કે. કે. પારેખ કોમર્સ કોલેજ, અમરેલીના એન.એસ.એસ. યુનિટ-૦૧ (ભાઈઓ) અને યુનિટ-૦૨ (બહેનો) દ્વારા અમરેલી સ્થિત “વાત્સલ્યધામ” અનાથાશ્રમ ખાતે રક્ષાબંધનની હૃદયસ્પર્શી ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓએ વાત્સલ્યધામના બાળકોને પ્રેમ અને લાગણીપૂર્વક રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. રાખડીના આ નાનકડા તાંતણે અનાથાશ્રમના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે સ્નેહ, આત્મીયતા અને ભાઈચારા જેવું અતૂટ બંધન રચાયું હતું. કાર્યક્રમ દરમિયાન વાત્સલ્યધામના બાળકોના ચહેરા પર જોવા મળેલો આનંદ અને સ્મિત સૌ માટે ભાવવિભોર કરી દેનારું બન્યું હતું.
આ પ્રસંગે કોલેજના સીનીયર પ્રાધ્યાપક ડો. એ. કે. વાળા દ્વારા વાત્સલ્યધામના બાળકોને ઉપયોગી એવી સ્ટેશનરી કીટ તથા ડો. એમ. એમ. પટેલ દ્વારા ફૂલસ્કેપ નોટબુક ભેટરૂપે અર્પણ કરવામાં આવી હતી. શિક્ષણના સાધનોની આ ભેટ દ્વારા બાળકોના અભ્યાસમાં નાનકડું પરંતુ અર્થપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.
કોલેજના સીનીયર પ્રાધ્યાપક ડો. એ. જી. પટેલ દ્વારા વાત્સલ્યધામના તમામ બાળકો તથા વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. સાથે મળીને નાસ્તો કરતાં સૌમાં આત્મીયતા અને પરિવારભાવની લાગણી વધુ ગાઢ બની હતી.
કાર્યક્રમની સૌથી પ્રેરણાદાયી બાબત એ રહી કે કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટમનીમાંથી બચત કરીને આગામી જન્માષ્ટમી પર્વ નિમિત્તે વાત્સલ્યધામના બાળકો માટે રમકડાં ભેટમાં અર્પણ કર્યા હતા. પોતાની નાની-નાની જરૂરિયાતોમાંથી બચાવેલી રકમનો ઉપયોગ સમાજના જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે કરવો એ વિદ્યાર્થીઓની સંવેદનશીલતા, સંસ્કાર અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું હતું. આ રીતે વિદ્યાર્થીઓએ સાબિત કર્યું કે સમાજસેવા માટે મોટી સંપત્તિ નહીં, પરંતુ મોટું હૃદય અને સેવા કરવાની ભાવના જરૂરી છે.
કોલેજના વર્ગ-૦૪ના કર્મચારી શ્રી કે. પી. રામોલીયા દ્વારા પણ બાળકોને ચોકલેટ અને બિસ્કીટની ભેટ આપવામાં આવી હતી. પ્રેમથી આપવામાં આવેલી આ નાનકડી ભેટોએ બાળકોના આનંદમાં વધુ વધારો કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડીયા અને ડો. એ. જી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે કોલેજના સીનીયર પ્રાધ્યાપક પ્રો. જે. એમ. તળાવીયા તથા પ્રો. વાય. એચ. ઠાકરએ વિશેષ જહેમત ઉઠાવી હતી.
આ સમગ્ર પ્રસંગે રક્ષાબંધનના પવિત્ર પર્વને માત્ર ધાર્મિક કે પારિવારિક ઉજવણી પૂરતું સીમિત ન રાખીને તેને સેવા, સંવેદના અને સામાજિક જવાબદારીના ઉત્સવમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો. વાત્સલ્યધામના બાળકો સાથે વિતાવેલી આ ક્ષણોએ કોલેજના વિદ્યાર્થીઓને પણ માનવતા અને સમાજસેવાનું સાચું શિક્ષણ આપ્યું હતું.
રાખડીના પવિત્ર તાંતણે બંધાયેલો આ સ્નેહ માત્ર એક દિવસ પૂરતો ન રહે, પરંતુ જીવનભર પરસ્પર લાગણી, કરુણા અને માનવતાની સુગંધ ફેલાવતો રહે—એ જ આ રક્ષાબંધનની ઉજવણીનો સાચો સંદેશ બની રહ્યો હતો.
આ તકે “વાત્સલ્યધામ”ના ટ્રસ્ટી શ્રી એમ. કે. સાવલિયા તથા સંચાલક શ્રી રાજેશભાઈ એમ. જોષી તથા મદદનીશ સંચાલીકા શ્રીમતી પ્રીતીબેન રાજેશભાઈ જોષીએ તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી આપી હતી અને સમગ્ર આયોજન બદલ કોલેજનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પવિત્ર ઉજવણી બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ અને સર્વોત્તમ શિક્ષણના સ્વપ્નદ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રી શ્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી શ્રી ચતુરભાઈ ખુંટ, અમરેલી જિલ્લા વિદ્યાસભાના નિયામક ડો. અતુલભાઇ પટેલ તેમજ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ સમગ્ર કોલેજ પરિવાર અને વિદ્યાર્થીનીઓને હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.













Recent Comments