ગુજરાત રાજ્યના યુવાનો મોટી સંખ્યામાં દેશની સંરક્ષણ અને પોલીસ દળની ભરતીઓમાં જોડાઈને દેશસેવા કરી શકે તેવા ઉદ્દેશ્યથી એક વિશેષ નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રોજગાર કચેરી-અમરેલી દ્વારા સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા અમરેલી જિલ્લાના માત્ર પુરુષ ઉમેદવારો માટે ૩૦ દિવસના BSF નિવાસી તાલીમ વર્ગ-૨૦૨૬નું આયોજન કચ્છ-ભુજ ખાતે કરવામાં આવ્યું છે.
આ નિવાસી તાલીમ વર્ગ સંપૂર્ણપણે નિઃશુલ્ક (ફ્રી) રહેશે. જેમાં પસંદગી પામેલા તાલીમાર્થીઓને રહેવા-જમવાની સગવડ તેમજ શારીરિક કસોટી અને લેખિત કસોટી માટેની વિશેષ તાલીમ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. આ ટ્રેનિંગ મેળવવા માટે ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ-૧૦ (એસ.એસ.સી.) પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ. વધુમાં, અરજી કરનાર પુરુષ ઉમેદવારની ઉંમર ૧૭.૫ વર્ષથી ૨૫ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે, તેમજ તેઓ શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોવા જોઈએ. આ નિવાસી તાલીમ કચ્છ-ભુજ ખાતે મેળવવાની રહેશે.
આ નિઃશુલ્ક તાલીમ વર્ગમાં જોડાવા માટે રસ ધરાવતા લાયક ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરી, અમરેલી ખાતેથી સત્તાવાર ફરજિયાત અરજી ફોર્મ મેળવવાનું રહેશે. ફોર્મ મેળવ્યા બાદ સંપૂર્ણ વિગતો ભરીને દિન-૧૫ની અંદર પોતાની અરજી જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, અમરેલી ખાતે ટપાલ દ્વારા અથવા રૂબરૂ જઈને જમા કરાવવાની રહેશે, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તેમ જિલ્લા રોજગાર કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

















Recent Comments