સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ ખેંચ આપતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આકાશમાં વાદળોની અવરજવર ખૂબ ઓછી થઈ ગઈ છે અને વાતાવરણમાં ચોમાસાના બદલે અસહ્ય બફારા સાથે ઉનાળા જેવી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વરસાદના કોઈ એંધાણ ન દેખાતાં સાવરકુંડલાવાસીઓ ચાતક નયને મેઘરાજાના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા છે.
વરસાદની લાંબી ખેંચના કારણે સૌથી માઠો ફટકો ભૂમિપુત્રોને પડ્યો છે. ખેતરોમાં લહેરાતી ઉભી મોલાત હવે પાણીના અભાવે સુકાવા લાગી છે. જો આગામી એક-બે દિવસમાં સારો વરસાદ નહીં થાય તો હાથમાં આવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. મોલાતને નવજીવન આપવા માટે અત્યારે એક સારા વરસાદની અત્યંત જરૂરિયાત છે. સુકાતી મોલાત જોઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
બીજી તરફ, બજારમાં શાકભાજી, કઠોળ, ખાંડ અને ડુંગળી જેવી જીવનજરૂરી ખાદ્યચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. વરસાદ ન હોવાથી મોંઘવારી સતત વધી રહી છે, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગની સ્થિતિ અત્યંત કફોડી બની છે. ગૃહિણીઓના ઘર ચલાવવાના રસોડાના બજેટ પણ વેરવિખેર થઈ ગયા છે.
સૌ કોઈ એક જ સૂર પૂકારી રહ્યા છે કે *લોકોના સાચા ‘અચ્છે દિન’ માટે સમયસર અને સારો વરસાદ થવો ખૂબ જ જરૂરી છે.* હાલ તો સમગ્ર સાવરકુંડલા પંથકના લોકો અને ખેડૂતો આકાશ સામે મીટ માંડીને મેઘરાજા મન મૂકીને વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.


















Recent Comments