ગુજરાત વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા દ્વારા રજૂ કરેલા છેલ્લા દિવસના પ્રસ્તાવ પર પોતાના વિચારો રજૂ કરતાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી વનબંધુ કલ્યાણ યોજના આજે વનવાસી બંધુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
આદિજાતિ બજેટ અને યોજનાકીય વિકાસ વિશે વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, વર્ષ 1961માં જે આદિજાતિ બજેટ માત્ર રૂ. 58 કરોડ હતું, તે આજે ચાલુ વર્ષે વધીને રૂ. 35,782 કરોડ થયું છે. વનબંધુ યોજનાની શરૂઆતમાં અંદાજે રૂ. 15,000 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વ. વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રૂ. 1 લાખ કરોડ અને હવે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં આ પેકેજ પાંચ વર્ષ માટે અંદાજે રૂ. 2 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. આ યોજનામાં 15 પ્રાથમિક ક્ષેત્રોનો સમાવેશ કરીને આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે ડુંગરાળ વિસ્તારોમાં હેન્ડપંપ અને વહેળાના પાણી પર નિર્ભર રહેતા વિસ્તારોમાં આજે દમણગંગા સહિતની યોજનાઓ થકી નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી ઘરે-ઘરે પહોંચાડ્યું છે. કાકરાપાર અને ઉકાઈ જળાશય આધારિત હજારો કરોડના ખર્ચે ઉદવહન સિંચાઈ યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત, કપરાડા અને ધરમપુર તાલુકા માટે રૂ. 1,331 કરોડના ખર્ચે અંદાજે 40,117 એકર જમીનને આવરી લેતી સિંચાઈ યોજનાને મંજૂરી અપાઈ છે.
જમીન અધિકાર વિશે મંત્રીશ્રીએ કહ્યું કે, નિયમ 44 હેઠળ શરૂઆતમાં 3,344 કુટુંબોને 2,236 હેક્ટર જમીન આપવામાં આવી હતી, જે વિસ્તરીને આજે 1 લાખ 82 એકરથી વધુ જમીનના અધિકારો આદિવાસી પરિવારોને આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો, મેડિકલ-એન્જિનિયરિંગ કોલેજો, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને ભગવાન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ચિરંજીવી યોજના અને 108 એમ્બ્યુલન્સ સેવાના અસરકારક અમલથી મહિલાઓની સફળ પ્રસુતિ સુનિશ્ચિત થઈ છે, જેનાથી માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મંત્રીશ્રીએ અંતમાં ભારપૂર્વક જણાવ્યું કે વનબંધુ કલ્યાણ યોજના થકી સરકારે માત્ર રસ્તા, શાળાઓ કે હોસ્પિટલો નથી બનાવી, પરંતુ આદિવાસી યુવાનોના સપનાઓને પાંખો આપી સમાજમાં આત્મસન્માન અને આત્મનિર્ભરતાનું વાતાવરણ નિર્માણ કર્યું છે.


















Recent Comments