અમરેલી

તમે સમજો છો એટલી એ આસાન ક્યાં છે ? બહુ મુશ્કેલ છે, મોંઘી થી શોભાનાની સફર 

‘યાદી ઝરે છે આપની” રાજવી કવિ કલાપીના જીવન-કવન પર નવલકથા આલેખીને કલાપી પ્રેમીઓને રળિયાત કરનાર શ્રી કિશોર વ્યાસ મુંબઈના પત્રકાર જગત માં બહુ મોટી અને સુદીર્ઘ કારકિર્દી ધરાવે છે, અને મુંબઈ સમાચાર માં સેવા આપે છે. પોતાની વિશિષ્ઠ શૈલીથી કલાત્મક અને સૌન્દર્યાતિત દ્રષ્ટિએ સમાજને મુલવવાની તેમની ઋજુતા અને સમજ તેમને અલગ અલૌકિક વ્યક્તિત્વના માલિક બનાવે છે. તેમની પાસે વર્ષોનો અભ્યાસ છે કસાયેલી કલમ છે, અને શુભતત્વો નીરખવાની કલાત્મક દ્રષ્ટિ છે, વિવેકબુદ્ધિ થી ચકાસવાની અને તટસ્થ નિરક્ષણ કરીને સમાજ સામે સત્ય પ્રગટ કરવાની અનુપમ કલા છે.

‘ઈર્શાદ’ ‘કચ્છનામા’ ‘કચ્છી ચોવાક’ કોલમ દ્વારા મુંબઈ સમાચારના લાખો વાચકો ના હૃદય માં પોતાનું અડગ સ્થાન બનાવ્યું છે, આપણા સૌના સદ્દભાગ્ય છે કે તેમના અર્થપૂર્ણ લેખોનો સંગ્રહ થઈને હવે પુસ્તક આકારે પ્રકાશિત થઇ રહ્યો છે, એમાં નવસર્જન રૂપે 1- કથા કથન 2-લહેર 3-ઈર્શાદ 4- કચ્છનામા 5- કચ્છી ચોવક 6-યાદી ઝરે છે આપની અને 7-મુ પુસ્તક સુરસિંહ તમારી શોભના નવલકથા રૂપે પ્રકાશિત થઇ રહી છે, ત્યારે હૃદય માં ઇંતેઝારી અને સ્વાગતની વિશેષ ભાવનાઓ પ્રગટી રહી છે.

મુંબઈમાં એક માતબર સર્જકના વર્ષો ના સંભારણા એક સાથે 7-પુસ્તક રૂપે પ્રકાશિત થઇ રહ્યા છે, એ ઘટના પણ બહુ રોમાંચિત કરી મૂકે એવી છે..

બરાબર બે વર્ષ પહેલા લાઠીમાં ‘આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ’ આયોજિત ‘રાજવી કવિ કલાપી’ એવૉર્ડ સમારોહમાં કલાપીના પ્રપોત્ર અને ઠાકોરસાહેબ ઓફ લાઠી શ્રી, કીર્તીકુમારસિંહજી ગોહિલના વરદહસ્તે પ્રકાશિત થયેલી નવલકથા ‘યાદી ઝરે છે આપની’ ને ગુજરાતના સૌ સાહિત્યપ્રેમી વાચકમિત્રોનો અદભૂત પ્રતિભાવ મળ્યો, અને ટૂંક સમયમાં એની પ્રતો વેચાય ગઈ, ફરી પ્રકાશન માટે કલાપીના ચાહકો અને ભાવકોની માંગણી અને લાગણીને માન આપીને નવી આવૃત્તિ આ સાથે પ્રગટ થઇ રહી છે….

ત્યારે હું મારી જાતને બહુ ભાગ્યશાળી સમજુ છું કે એ નવલકથા સૌ પ્રથમ વાંચવાનું મને સૌભાગ્ય મળ્યું હતું, પ્રેસક્લબ મુંબઈમાં બેસીને અમે ચર્ચા કરતા હતા ત્યારે મેં શ્રી કિશોરભાઈને વિનંતી કરી હતી કે કલાપીના હૃદયસામ્રાજ્ઞિ શોભનાબા વિષે ઊંડો અભિયાસ કરી તેમના, હૃદયના મનોભાવ, પ્રેમ, વ્યથા, સાંસારિક જીવન વિષે એક સ્વતંત્ર નવલકથા આલેખો જેથી કલાપીના લાખો ચાહકો અને ભાવકોને શોભનાબા વિષે રસપ્રદ વાતો જાણવા મળે, તેમણે આપેલું વચન પાળ્યું અને આજે આપણી સમક્ષ ‘સુરસિંહ તમારી શોભના’ નવલકથા સ્વરૂપે પ્રગટ કરી રહયા છે…..

કિશોરભાઈના દાદાશ્રી, જીવરામભાઇ નથુભાઈ વ્યાસ એટલે કલાપીના સ્નેહરાજ્ઞિ રમાબા, સાથે કચ્છ રોહાથી લાઠી પધારેલા વિશ્વાસુ અંગત સચિવ હતા, અને કલાપી, રમાબા, શોભનાબાની હૃદયત્રિપુટી ના અણમોલ પ્રેમના મૂકસાક્ષી હતા, બાળપણમાં દાદા પાસેથી સાંભળેલી રોહાની, રમાબાની અને શોભનાબા ની રસપ્રદ વાતો અને ઇતિહાસને તેમણે સત્યની બહુ નજીક થી પસાર કર્યો છે, બહુ વિવેકપૂર્વક આલેખ્યો છે. સર્જક તરીકે કાલ્પનિક ઘટનાઓ કે વિચારોને પણ તર્કબદ્ધ મુલવીને નવલકથા માં બહુ સુંદર અને રસાળ શૈલીમાં પ્રગટ કર્યા છે, ઘટનાઓ પ્રસંગોને ભૂતકાળમાં લઇ જઈને બહુ સાહજિક રીતે વર્તમાનમાં લઇ આવવાની તેમની અદભુત કલાને બહુ ભાવપૂર્વક વંદન કરું છું.

કથાનક માં એકસરખો પ્રવાહ ભાવકને જકડી રાખે છે અને એક જ બેઠકે નવલકથા વાંચી જવાની લાલચ હું રોકી શક્યો નથી. દરેક પ્રકરણ વધુને વધુ રોમાંચિત કરીને આગળ વાંચવા પ્રેરક બને છે વચ્ચે આવતા કલાપીના શેર-શાયરી કથાનકને જીવંત બનાવી દે છે….

શોભનાબા નું બાળપણ, મુગ્ધાવસ્થા, અને યૌવનને હૂબહૂ ઉપસાવીને કિશોરભાઈએ વાચકની કલ્પના સૃષ્ટિ માં સચોટ ચરિત્રદર્શન કરાવ્યું છે, અને કલાપીના સ્નેહરાજ્ઞિ રમાબા, પટ્ટરાણી આણંદીબા, નો સુપેરે પરિચય આપ્યો છે, આ તેમની કલમની સફળતા છે……

એક પુરુષ થઈને સ્ત્રીના મનોજગતનું આટલું સુંદર નિરૂપણ કરવું એ આસાન કામ નથી જ પણ કિશોરભાઈએ સુપેરે એ પાર પાડ્યું છે…

મેં પૂછ્યું આવું સુંદર આલેખન કઈ રીતે શક્ય બન્યું ? ત્યારે તેમણે માર્મિક હસીને બહુ સુંદર જવાબ આપ્યો,

સૌન્દર્યો વેડફી દેતા ના ના સુંદરતા મળે !!

સૌન્દર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે !!

કલાપીએ લખાવ્યુ છે, અને મેં શોભાના બનીને લખ્યું છે….

થોડા વર્ષો પહેલા ડો.ધનવંતભાઈ શાહે નાટ્યગ્રંથ ‘રાજવી કવિ કલાપી’ આપીને ગુર્જર સાહિત્યજગતને રળિયાત કર્યું હતું તો શ્રી કિશોરભાઈ વ્યાસે ‘યાદી ઝરે છે આપની’ દ્વારા કલાપીના હૃદયના ભાવોને જગત સમક્ષ નવલકથા સ્વરૂપે આલેખ્યા હતા, અને હવે ‘સુરસિંહ તમારી શોભાના’ દ્વારા રાજવી પરિવારની નીતિ-રીતિ, ખાનદાની, ખુમારી, સભ્યતા, સંસ્કૃતિને જાણી મ્હાણી ને ગુજરાતના રસિકજનો ખુબ પ્રસન્ન થશે એમાં કોઈ બેમત નથી…

વર્ષોના વ્હાણા વાયા છતાંય, કલાપીનું જીવન-કવન અને સર્જન આજે પણ સૌને બહુ આકર્ષે છે, ગેબી કચેરીના એ દરિયાવ બાદશાહની ફકીરી માં જે રંગત છે એવી ભાગ્યેજ કોઈ સર્જક માં જોવા મળે છે, તેનું કારણ મારી દ્રષ્ટિએ તેમનો અદભૂત પ્રેમ, સનમના માધ્યમથી સત્યની શોધ, અને માનવજાત પ્રત્યેની કરુણા, મુખ્ય તત્વ છે, આજે પણ કલાપીને જાણનાર, વાંચનાર, ઉમદા સંવેદનશિલ માનવી બની શકે છે. કેકારવના કાવ્યો તો સમાજને સાચા માનવ બનવાની જડીબુટ્ટી આપે છે…

કિશોરભાઈના સર્જનો પણ આપણને સંવેદનશીલ માણસ બનીને આનંદથી જીવતા શીખવે છે. હજ્જારો નિરાશામાં છુપાયેલી અમર આશાનું દર્શન કરાવીને વાચક-ભાવકના જીવનને ઉર્ધ્વગામી બનવાનો માર્ગ બતાવે છે, આવો તેમના પ્રયત્નોને વધાવીએ, તેમની અનુભૂતિઓનું સ્વાગત કરીએ, આવા સરસ પુસ્તકો વાંચીએ, વિચારીએ, જીવનમાં ઉતારીને સામાજિક સમરસતાની શરૂઆત ખુદ થી જ કરીએ !!

પુસ્તકની મૂળ કિંમત ₹325/- 20% ડિસ્કાઉન્ટ સાથે ફક્ત ₹260/- રુપીયામાં..

(ગુજરાતમાં કુરિયર ફ્રી)

ગુગલ પે નંબર – 9824294075

પર પેમેન્ટ કરીને ઘરેબેઠા કોપી મંગાવી શકો છો..

પેમેન્ટનો સ્ક્રીનશોટ અને તમારું એડ્રેસ મોકલવા આ નંબર પર વોટ્સએપ કરશો – 9824294075

પૂસ્તક સાથી ભાવનગર…

 બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે ત્યારે 

શ્રી કિશોરભાઈ વ્યાસને ખૂબ ખૂબ અભિનંદન અને તેમના વિવિધ સર્જનોને હૃદયપૂર્વક આવકાર રાજેશ પટેલ 

Related Posts