અમરેલી

રાજુલા-વિધાનસભા ના 62 ગામોમાં આજે પણ એસ.ટી. બસ સેવા નહીં: વિદ્યાર્થીઓ, મહિલાઓ, રત્નકલાકારો ખેડુતો અને દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે

રાજુલા વિધાનસભા મતવિસ્તારના રાજુલા, જાફરાબાદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ અનેક ગામો એસ.ટી. બસ સેવાની સુવિધાથી વંચિત છે. જેના કારણે વિદ્યાર્થીઓ, રત્નકલાકારો, મહિલાઓ, દર્દીઓ, ખેડૂતો તથા સામાન્ય નાગરિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ટીકુભાઈ વરૂએ જણાવ્યું છે કે કોંગ્રેસ સરકારના સમયગાળામાં આશરે 30 વર્ષ પહેલાં આ વિસ્તારમાં અનેક ગામોમાં દિવસ દરમિયાન ત્રણ-ચાર વખત એસ.ટી. બસો આવતી હતી. પરંતુ આજે સમય બદલાયો હોવા છતાં અનેક ગામોમાં નિયમિત એસ.ટી. સેવા ઉપલબ્ધ નથી.
કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલા સ્થાનિક સર્વે મુજબ રાજુલા વિધાનસભા મતવિસ્તારના આશરે 140 ગામોમાંથી 62 ગામોમાં આજે પણ નિયમિત એસ.ટી. બસ સેવા ઉપલબ્ધ નથી. કેટલાક ગામોમાં દિવસમાં માત્ર એક જ વખત બસ આવે છે, જ્યારે કેટલાક ગામોમાં એસ.ટી. બસ માત્ર મુખ્ય રોડ પરથી પસાર થાય છે અને ગામની અંદર આવતી નથી.
એસ.ટી. સેવા વિનાના અથવા અપૂરતી સેવા ધરાવતા ગામોમાં મુખ્યત્વે:
બાબરીયાધાર, છાપરી ખારી, બાલાપર, નવાગામ, અમુલી, બરફટાણા, મોટી ખેરાળી, નાની ખેરાળી, ગોવિંદડી, ભેરાઈ, નવી માંડરડી, જૂની માંડરડી, કડીયાળી, દેવકા, જૂના નિંગાળા, રામપરા-2, ડોળીયા, નાના મસુદડા, મોટા રીંગણીયાળા, રાજપરડા, જોલાપુર, ઉટીયા, હડમતિયા, ગાજાવદર, રાભડા, ભાશી, વડ, ઉચૈયા, ભસાદર, ધારાના નેસ, નેસડી, ખાખબાઈ, મોરગી, ઝઝીકા, સાજણાવાવ, રામપરા-1, નાના-મોટા મોભીયાણા, વિસ્તાર સહિતના ગામોનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત જાફરાબાદ તાલુકાના બાબરકોટ, વારાસ્વરૂપ, ભાકોદર, સોખડા, ભટવદર, વાઢ, એભલવડ, ટીંબી, વડલી, ધારાબંદર, નવી જીકાદરી, જૂની જીકાદરી, પીછડી, લોર, કેરાળા, જૂનાપાદર સહિતના ગામોમાં પણ એસ.ટી. સેવા અંગે ગંભીર સમસ્યા છે.
ખાંભા તાલુકાના આંબલીયાળા, જૂના માલકનેશ, વાંગધ્રા, જામકા, મુંજીયાસર, સમઢીયાળા, બાબરપરા, નવા માલકનેશ સહિતના વિસ્તારોમાં પણ પૂરતી એસ.ટી. સેવા ઉપલબ્ધ નથી.
શ્રી ટીકુભાઈ વરૂએ વધુમાં જણાવ્યું કે આ વિસ્તારમાં આશરે 20 ગામોમાં એસ.ટી. બસ દિવસમાં માત્ર એક જ વખત આવે છે અને આશરે 10 ગામોમાં બસ ગામમાં પ્રવેશ્યા વગર માત્ર મુખ્ય રોડ પરથી પસાર થાય છે. આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શાળાઓ અને કોલેજોમાં જવા, રત્નકલાકારોને રોજગારી માટે શહેરોમાં પહોંચવા, દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવા અને મહિલાઓ તથા વડીલોને જરૂરી કામ માટે તાલુકા-જિલ્લા મથકે જવામાં ભારે મુશ્કેલી પડે છે.
તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સરકાર દ્વારા દર થોડા સમયગાળે નવી એસ.ટી. બસ સેવા શરૂ કરવાની જાહેરાતો કરવામાં આવે છે, તો રાજુલા-જાફરાબાદ વિસ્તારના આ ગામોમાં નિયમિત એસ.ટી. બસ સેવા ક્યારે શરૂ કરવામાં આવશે?
કોંગ્રેસ પક્ષ દ્વારા આ અંગે કરવામાં આવેલા સર્વેમાં જે ગામોમાં એસ.ટી. સેવા નથી અથવા અત્યંત અપૂરતી છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. સરકાર અને એસ.ટી. વિભાગે આ ગામોની વાસ્તવિક પરિસ્થિતિનો તાત્કાલિક સર્વે કરી દરેક ગામને નિયમિત અને પૂરતી એસ.ટી. બસ સેવા સાથે જોડવું જોઈએ, તેવી માંગ કરવામાં આવી છે.
શ્રી ટીકુભાઈ વરૂએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, “કોઈ મોટી સરકારી સભા, ગરીબ કલ્યાણ મેળો કે લોકોને મોટી સંખ્યામાં એકત્રિત કરવાની જરૂરિયાત હોય ત્યારે એસ.ટી. બસો આ વિસ્તારમાં જોવા મળે છે, પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ફરી નિયમિત બસ સેવા જોવા મળતી નથી.”
તેમણે સરકારને અપીલ કરી છે કે રાજકીય કાર્યક્રમો પૂરતી નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકોની રોજિંદી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કાયમી એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવે.
વિદ્યાર્થીઓ, રત્નકલાકારો, મહિલાઓ, દર્દીઓ, ખેડૂતો અને ગ્રામ્ય જનતાના હિતમાં રાજુલા વિધાનસભા વિસ્તારના એસ.ટી. સેવા વિનાના તમામ ગામોમાં તાત્કાલિક બસ સેવા શરૂ કરવામાં આવે તથા જ્યાં માત્ર એક જ બસ છે ત્યાં બસની ફ્રિક્વન્સી વધારવામાં આવે તેવી માંગ અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ટીકુભાઈ વરૂ દ્વારા કરવામાં આવી છે.

Related Posts