અમરેલી

સાવરકુંડલામાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે નિયામક શ્રી-આયુષ (ગુજરાત રાજ્ય) અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી-અમરેલીના માર્ગદર્શન હેઠળ તા. ૨૩/૦૯/૨૦૨૬ના રોજ શ્રી ઉતાવળા હનુમાન મંદિર, હાથસણી રોડ ખાતે ફ્રી સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપેથીક નિદાન-સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સરકારી આયુર્વેદ દવાખાનું (ખડકાળા અને પીઠવડી), સરકારી હોમિયોપેથીક દવાખાનું (સાવરકુંડલા) તથા ડોક્ટર હેડગેવાર સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

​કેમ્પ દરમિયાન દર્દીઓને નિદાન અને ફ્રી સારવાર ઉપરાંત દિનચર્યા-ઋતુચર્યાનું માર્ગદર્શન, આરોગ્યલક્ષી પત્રિકા વિતરણ અને ચાર્ટ પ્રદર્શન દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ પૂરી પાડવામાં આવી હતી, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

​આ નિદાન કેમ્પમાં વૈદ્ય દેવેન્દ્ર ચૌહાણ, વૈદ્ય કૌશલ ગોંડલીયા અને ડૉ. વિરમ બોદરની સાથે ડોક્ટર હેડગેવાર સેવા સમિતિના સદસ્યો સર્વશ્રી વિનાયકભાઈ પરમાર, પંકજભાઈ વ્યાસ, કૌશિકભાઈ બોરીસાગર, ગિરીશભાઈ નંદોલિયા, અરજણભાઇ રબારી અને હિરેન ડાભીએ ઉપસ્થિત રહી સેવાઓ આપી હતી.

Related Posts