સાવરકુંડલા શહેરમાં જાહેર સ્વચ્છતા જાળવવા અને કચરાના યોગ્ય નિકાલ માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ચીફ ઓફિસર તથા સેનેટરી ટીમ દ્વારા આજ રોજ રાત્રિના સમયે શહેરમાં એકાએક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ વિશેષ ઝુંબેશ દરમિયાન નગરપાલિકાની ટીમે શહેરના મુખ્ય વિસ્તારોમાં આવેલા ખાણી-પીણીના સ્ટોલ, રેસ્ટોરન્ટ્સ તથા પાનના પાર્લરોની વિઝિટ કરી હતી. સ્થળ તપાસ દરમિયાન વેપારીઓ અને ગ્રાહકો દ્વારા જાહેર રસ્તાઓ પર કચરો ન ફેંકાય તે માટે ખાસ તકેદારી રાખવાની તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. સેનેટરી ટીમે સ્પષ્ટ જણાવ્યું હતું કે તમામ વેપારીઓએ પોતાનો કચરો એકત્રિત કરી નગરપાલિકાના ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ કરતા વાહનમાં જ આપવાનો રહેશે.
જે સ્થળો પર સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું અને કચરો જાહેરમાં ફેંકવામાં આવતો હોવાનું માલૂમ પડ્યું, ત્યાં તંત્ર દ્વારા સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, “શહેરની સુંદરતા અને જાહેર આરોગ્ય જાળવવું એ દરેક નાગરિક અને વેપારીની નૈતિક ફરજ છે. ભવિષ્યમાં પણ આવી સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે વધુ સખત પગલાં લેવામાં આવશે.”
નગરપાલિકા તંત્ર દ્વારા તમામ વેપારીઓ અને શહેરના નાગરિકોને સાવરકુંડલાને સુંદર અને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.















Recent Comments