સાવરકુંડલા નગરપાલિકાના વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા આવે અને ભ્રષ્ટાચાર મુક્ત કામગીરી થાય તેવા ઉદ્દેશ્ય સાથે નગરપાલિકાની તમામ જનરલ સભા તથા ખાસ સભાઓનું ફેસબુક (Facebook) અને યૂટ્યૂબ (YouTube) પર ફરજિયાત લાઈવ પ્રસારણ (LIVE Streaming) કરવાની માંગણી સાથે વિરોધપક્ષના નેતા કમલકુમાર જી. દવે દ્વારા ચીફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ-૫૧(૬) અનુસાર નગરપાલિકાની દરેક સામાન્ય સભા જાહેર જનતા માટે ખુલ્લી (Open to the public) હોવી જોઈએ. લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાની કાર્યવાહીનું જે રીતે લાઈવ પ્રસારણ કરવામાં આવે છે, તે જ રીતે નગરપાલિકાની સભાઓમાં પણ કયા વોર્ડના કયા પ્રશ્નો અને ચર્ચાઓ થાય છે તે અંગેની સાચી માહિતી જાહેર જનતા સુધી પહોંચે તે અત્યંત જરૂરી છે.
આ અંગે વોર્ડ નં. ૮ ના સદસ્ય દ્વારા પણ માંગણી કરવામાં આવેલ છે. જેને સમર્થન આપતાં વિરોધપક્ષના નેતા કમલકુમાર દવે અને ચૂંટાયેલા ૧૧ સભ્યોએ લોકભાવના સાથે નગરપાલિકા સમક્ષ નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરી છે:
૧. સાવરકુંડલા નગરપાલિકાની આગામી તમામ જનરલ સભા/ખાસ સભાનું લાઈવ પ્રસારણ નગરપાલિકાના સત્તાવાર ફેસબુક પેજ અને યૂટ્યૂબ ચેનલ પર ફરજિયાતપણે કરવામાં આવે.
૨. જ્યાં સુધી લાઈવ પ્રસારણ શરૂ ન થાય ત્યાં સુધી દરેક સભાનું સંપૂર્ણ વિડીયો રેકોર્ડિંગ કરીને તેને રજીસ્ટર/ફાઈલ પર રાખવામાં આવે.
૩. આ બાબતને આગામી જનરલ બોર્ડના એજન્ડામાં સામેલ કરી ઠરાવ પસાર કરવામાં આવે અને સાવરકુંડલા નગરપાલિકામાં આ મોડેલ લાગુ કરવામાં આવે.
આ રજૂઆતની નકલ કલેક્ટરશ્રી (અમરેલી), પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી (ભાવનગર ઝોન), શહેરી વિકાસ વિભાગના નિયામકશ્રી (ગાંધીનગર) તથા મુખ્યમંત્રી કાર્યાલયના સ્વાગત ફરિયાદ સેલને પણ યોગ્ય કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે.
નગરપાલિકાના આ નિર્ણયથી પ્રજાને પોતે ચૂંટેલા પ્રતિનિધિઓની કામગીરી અને પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા સીધી જોવાનો અધિકાર મળશે અને વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


















Recent Comments