ભાવનગર

તળાજા: ઓઝોન સ્કૂલ, હાજીપર ખાતે અંગદાન અને મોટીવેશન સેમિનાર યોજાયો

ડૉ. ગણેશ બારૈયા અને ટીમ દ્વારા ઓઝોન સ્કૂલ ઓફ સાયન્સ, હાજીપર ખાતે 1200 થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં અંગદાન જાગૃતિ અને મોટિવેશન સેમિનાર યોજાયો

કુંઢેલી તા 28

તળાજા-મહુવા નેશનલ હાઈવે પર આવેલ ઓઝોન સ્કૂલ ઓફ સાયન્સ, હાજીપર, તળાજા ખાતે  1200 થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં અંગદાન જાગૃતિ અને મોટિવેશન સેમિનાર યોજાયો હતો.

કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ પ્રવિણભાઈ તથા સંચાલકો અને ટ્રસ્ટીશ્રીઓ લોમભાઈ ભમ્મર, જગદીશભાઈ જાલંધરા, વિપુલભાઈ કલસરિયા અને હરદેવભાઈ ચૌહાણ દ્વારા મુખ્ય વક્તાઓ ડૉ. ગણેશ બારૈયા, ડૉ. યશ દવે અને શ્રી કાગ દિલરાજનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.

સેમિનાર દરમિયાન ડૉ. ગણેશ બારૈયા અને ડૉ. યશ દવે દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સંબોધન કરવામાં આવ્યું હતું. બંને તબીબોએ જીવનમાં આગળ વધવા માટે મોટિવેશન, યોગ્ય કારકિર્દીની પસંદગી અને જીવનમાં મળતી તકોનો સદુપયોગ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને પોતાના લક્ષ્ય પ્રત્યે નિષ્ઠાવાન રહી સતત મહેનત કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અંગદાનનું મહત્વ, અંગદાનથી માનવજીવનને મળતી નવી આશા તથા સમાજમાં તેની જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વક્તાઓએ અંગદાનને માનવતાની સર્વોચ્ચ સેવા ગણાવી વિદ્યાર્થીઓને આ સેવાકીય કાર્યમાં જોડાવવા પ્રેરિત કર્યા હતા.

વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વક્તાઓ સાથે સંવાદ સાધી અંગદાન અને કારકિર્દી અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા.

કાર્યક્રમના અંતમાં તબીબી વિદ્યાર્થી કાર્યકર્તા શ્રી કાગ દિલરાજ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અંગદાનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને ઓનલાઈન પ્રતિજ્ઞા લેવા માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું. સૌએ અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને માનવજીવન બચાવવાનો સંકલ્પ લીધો હતો.

સમગ્ર કાર્યક્રમનું આયોજન સામાજિક કાર્યકર્તા શ્રી દેવાયતભાઈ ભમ્મર અને ડો. દલપતભાઈ કાતરિયાના સંકલનથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત મહેમાનો, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Posts