કેપ્ટન સ્મિત મચ્છરે ફ્લાઇટમાં ગંભીર અને કટોકટીભરી પરિસ્થિતિમાં પોતે ઇજાગ્રસ્ત થયા હોવા છતાં મુસાફરોના જીવ બચાવીને બહાદુરીનું જે અસાધારણ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેનાથી માત્ર સાવરકુંડલા જ નહીં પરંતુ સમગ્ર પંથકમાં ગૌરવની લાગણી ફરી વળી છે. જોકે, આ સાહસિક ઘટના બાદ સાવરકુંડલાના જમાઈઓ માટે સ્થાનિક સાસરિયાઓની અપેક્ષાઓનું સ્ટાન્ડર્ડ અચાનક ખૂબ ઊંચું સેટ થઈ ગયું છે.
અત્યાર સુધી સાવરકુંડલાના જમાઈ હોવું એ એક સહજ અને સામાન્ય બાબત ગણાતી હતી. વર્ષમાં બે-ચાર વાર આવીને બે દિવસ જમાઈધર્મ બજાવી પરત ફરતા જમાઈઓ માટે સાસુ-સસરા અને સાળીઓ તરફથી માત્ર ભલા માણસ હોવાનું પ્રમાણપત્ર કાફી હતું. પરંતુ કેપ્ટન સ્મિત મચ્છરના પરાક્રમ બાદ હવે દીકરીના લગ્ન માટે ‘સરકારી નોકરી, સારું ઘર કે ગાડી’ પૂરતા નહીં રહે, પણ ‘કટોકટીમાં કેટલા લોકોને બચાવી શકો?’ જેવા પ્રશ્નો પૂછાય તો નવાઈ નહીં!
સ્થાનિકોમાં રમુજ સાથે ચર્ચાતી વિગતો મુજબ, હવે જો બેંક ક્લાર્ક પણ સાસરિયે વરરાજા બનીને આવશે, તો સસરાજી ઇમરજન્સીમાં ‘કેશ બચાવવાની ક્ષમતા’ ચકાસશે. પરિસ્થિતિ એ મોડ પર આવી પહોંચી છે કે હવે સાવરકુંડલાના જમાઈઓમાં થોડું ‘સ્મિત મચ્છરપણું’ હોવું અનિવાર્ય મનાઈ રહ્યું છે.
જમાઈઓ માટે તાલીમ શિબિર અને વિશેષ ‘એવોર્ડ’ની માંગ!
પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાવરકુંડલામાં જમાઈઓ માટે ખાસ તાલીમ શિબિરો શરૂ કરવાની જરૂરિયાત પણ ઉપસી આવી છે, જેમાં:
સાસુના અચાનક પ્રશ્નોમાં ત્વરિત નિર્ણયક્ષમતા
પત્નીના “કંઈ નથી થયું” પાછળનો ગૂઢ અર્થ શોધવાની કળા
સાળાના ઉધાર પ્રશ્નોમાંથી સુરક્ષિત ‘લેન્ડિંગ’ મેળવવું
”આજે ને આજે જ સાસરિયે આવવું પડશે” જેવી ઇમરજન્સી હેન્ડલ કરવાની ક્ષમતા
જેવા વિષયો પર તાલીમ આપવાની હાસ્યસભર માંગ ઊઠી છે. એટલું જ નહીં, સાવરકુંડલા નગરપાલિકા પોતાના આગામી બજેટમાં “જમાઈ સન્માન નિધિ” ની જોગવાઈ કરે અને તેમાં પદ્મ જમાઈ, રત્ન જમાઈ અને વિશેષરૂપે “સ્મિત મચ્છર સુપર જમાઈ લાઈફ ટાઈમ એવોર્ડ” જેવા સન્માનોનો સમાવેશ કરે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ટૂંકમાં, કેપ્ટન સ્મિત મચ્છરના સાહસે સાવરકુંડલાના જમાઈ હોવાને એક અનોખી ઓળખ અને ગૌરવવંતું સ્થાન તો અપાવ્યું જ છે, સાથે સાથે આગામી સમયના જમાઈઓ માટે મીઠાઈના ડબ્બાની સાથે થોડું સાહસ પણ સાથે રાખવાની બિનસત્તાવાર શરત ઉમેરી દીધી છે!


















Recent Comments